શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ જણાવ્યું છે કે,આપણા સૌના બાળકોમાં નાનપણથી જ સત્ય,સહજીવન, સંસ્કૃતિ અને સહિષ્ણુતાના ગુણો ખીલે એ માટે અમારી સરકારે મક્કમને નિર્ધાર કર્યો છે. શાળાઓમાં ધોરણ ૬ થી ૧૨માં આગામી સત્રથી ભગવદગીતાના મૂલ્યોનો અભ્યાસક્રમમાં સમાવિષ્ટ કરવાનો નિર્ણય અમારી સરકારે કર્યો છે. શાળાઓમાં ધો. 6 થી 12 માં ભગવદ ગીતાના મૂલ્યોનો અભ્યાસક્રમમાં સમાવિષ્ટ કરાશે.
શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ સંકલ્પ રજૂ કરતાં કહ્યું કે, શ્રીમદ્ ભગવદ્ ગીતાએ હિંદુ ધર્મનો પ્રાચીન અને મુખ્ય પવિત્ર ગ્રંથ છે. ગીતા હિંદુ ધર્મનો ગણાતો હોવા છતાં ફક્ત હિંદુઓ પૂરતો સીમિત ન રહેતાં પૂરા માનવ સમાજ માટેનો ગ્રંથ ગણાય છે, અને વિશ્વચિંતકોએ તેમાંથી માર્ગદર્શન લીધું છે. ગીતાનું મહત્ત્વ અલૌકિક છે. ગીતાને સ્મૃતિ ગ્રંથ માનવામાં આવે છે. ગીતા જ્ઞાનનો ખજાનો તો છે જ, સાથે સાથે સત્કર્મો અને સદવિચાર માટે ઉદ્દીપક પણ છે. ગીતાના તત્વજ્ઞાન થકી ગુજરાતના વિદ્યાર્થીઓ વધુ જ્ઞાની બનશે અને ‘વિકસિત ભારત @૨૦૪૭’ ના સંકલ્પને સાર્થક કરવાની દિશામાં તથા રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં મહત્વનું યોગદાન આપશે.