ભારતના ટાપુઓના સમૂહ લક્ષદ્વીપમાં પર્યટનને પ્રોત્સાહન આપવા માટે અનેક પ્રૉજેક્ટ હાથ ધરવામાં આવનાર છે. ફ્લાય-૧૯ અને સ્પાઇસ જેટને અગાત્તી ટાપુ ખાતે ફ્લાઇટ લઇ જવા માટે પરવાનગી મળી ગઇ છે. ઇન્ડિગો ઍરલાઇન્સની ટીમે પોતાની ફ્લાઇટ્સ શરૂ કરવા માટે લક્ષદ્વીપના વહીવટી અધિકારીઓ સાથે બુધવારે બેઠક યોજી હતી. હાલમાં એલાયન્સ ઍરલાઇન્સ અગાત્તી ટાપુ ખાતે દરરોજ એક ફ્લાઇટ લઇ જાય છે અને બુધવારે તેમ જ રવિવારે બે ફ્લાઇટ ઉડાડે છે.કોચીથી કવારત્તી ખાતે અઠવાડિયામાં એક જહાજ જાય છે.
એલઍન્ડટીને રનવે લાંબો કરવા રૂપિયા ૪,૫૦૦ કરોડનો બાંધકામનો કૉન્ટ્રેક્ટ અપાયો છે. અગાત્તી ઉપરાંત મિનિકોય ટાપુ ખાતે ગ્રીનફિલ્ડ ઍરપૉર્ટ તૈયાર થઇ રહ્યું છે. ટાટા ગ્રૂપે લક્ષદ્વીપના ત્રણ ટાપુ ખાતે તાજ રિસોર્ટ શરૂ કરવાની દરખાસ્ત રજૂ કરી છે. તાજ હોટેલ્સ ઍન્ડ રિસોર્ટ્સ અહીં લાગુન વિલા તૈયાર કરી રહ્યું હોવાનું કહેવાય છે.






