બિહારમાં આજે NDA સરકારનો ફ્લોર ટેસ્ટ થશે જેમાં તમામ પાર્ટીએ પોત પોતાના દાવા કર્યા છે. સૌથી મોટો પડકાર નીતિશ કુમાર સામે છે. 9મી વખત બિહારના મુખ્યમંત્રી બન્યા બાદ મોટો સવાલ છે કે શું તે બહુમત સાબિત કરી શકશે? લાલુ યાદવની પાર્ટી (RJD)એ કહ્યું કે ‘ખેલા થશે’.
બિહાર વિધાનસભામાં કુલ બેઠકની સંખ્યા 243 છે. જેમાંથી પક્ષમાં કુલ 128 ધારાસભ્ય છે. ભાજપના 78 ધારાસભ્ય, JDUના 45, હિન્દુસ્તાની આવામ મોર્ચા (હમ)ના ચાર ધારાસભ્ય અને એક ધારાસભ્ય અપક્ષ છે. બીજી તરફ વિપક્ષમાં કુલ 115 ધારાસભ્ય છે જેમાંથી RJDના 79, કોંગ્રેસના 19, લેફ્ટના 16 અને AIMIMનો એક ધારાસભ્ય સામેલ છે. JDUએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભાજપ સાથે મળીને નવી સરકાર બનાવનારા નીતિશ કુમાર ફ્લોર ટેસ્ટમાં પાસ થઇ જશે. રવિવારે JDU વિધાયક દળની બેઠકમાં બે-ત્રણ ધારાસભ્ય સામેલ થયા નહતા. JDUની બેઠકમાં ત્રણ ધારાસભ્ય સુદર્શન કુમાર સિંહ, બીમા ભારતી અને દિલીપ રોય પહોંચ્યા નહતા, આ ધારાસભ્યોએ JDUની ટેન્શન વધારી દીધી છે.
જો આ ધારાસભ્ય વિધાનસબામાં દૂર રહે છે અને જીતન રામ માંઝીની પાર્ટી હમના ધારાસભ્ય યૂ ટર્ન લે છે તો ભાજપ-જેડીયૂ ગઠબંધન સરકાર પર સંકટની સ્થિતિ બની જશે. જોકે, રાજ્યના સંસદીય કાર્ય મંત્રી વિજય કુમાર ચૌધરીએ કહ્યું કે ફ્લોર ટેસ્ટ દરમિયાન પાર્ટીના તમામ ધારાસભ્ય વિધાનસભામાં હાજર રહેશે.