વિશ્વ વિભૂતિ મહર્ષિ દયાનંદ સરસ્વતીના 200મો જન્મોત્સવ-સ્મરણોત્સવ ટંકારામાં ચાલી રહ્યો છે. મહોત્સવના દ્વિતીય દિવસે આર્યસમાજના સંસ્થાપકને સ્મરણાંજલિ અર્પણ કરવા પ્રધાનમંત્રી મોદી વર્ચ્યુઅલી જોડાયા હતા અને ઉપસ્થિત આર્યસમાજીઓને સંબોધિત કરતા જણાવ્યુ હતુ કે, મહર્ષિ દયાનંદ સરસ્વતી માત્ર વૈદિક ઋષિ જ નહિ પરંતુ રાષ્ટ્રચેતનાના ઋષિ હતા.
કરશનજી કા આંગન ખાતે ઉમટી પડેલા દેશ વિદેશના હજારો આર્ય વિચારકો, ઉપસ્થિતો અને વૈદિક વિચારધારકોને સંબોધન કરતા જણાવ્યું હતુ કે, દેશ આજે સ્વામી દયાનંદજીની 200મી જન્મજયંતી મનાવી રહ્યો છે. આજે મારા માટે ટંકારા પહોંચવું સંભવ ન હતુ, પરંતુ હું મન, હ્રદયથી તમારી વચ્ચે જ છું. સ્વામીજીના યોગદાનોને યાદ કરવા આર્યસમાજ મહોત્સવ મનાવી રહ્યો છે એ વાતનો મને ખૂબ આનંદ છે. મોદીએ આ તકે ઉમેર્યું હતું કે આ આયોજન નવી પેઢી માટે આર્ય ઋષિ દયાંદનજીના જીવનથી પરિચિત થવાનુ માધ્યમ બનશે એવો મને વિશ્વાસ છે. સમાજનો એક વર્ગ જયારે સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાથી દૂર જઈ રહ્યો હતો ત્યારે દયાનંદજીએ વેદ તરફ પાછા વળો નો મંત્ર આપી રૂઢિઓ પર પ્રહારો કર્યા હતા, જેના કારણે આજે લોકો વૈદિક ધર્મને જાણતા અને અનુસરતા થયા છે.
ભારત આજે અમૃતકાળના પ્રારંભના વર્ષમા છે ત્યારે ઉજ્જવળ ભવિષ્યનુ સપનુ જોનારા દયાનંદજીના સ્વપ્નના ભારતનો વિકાસ થાય એવો મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.આર્ય સમાજ ૨૧મી સદીમા નવી ઊર્જા સાથે રાષ્ટ્ર નિર્માણની જવાબદારી ઉપાડે એ જ દયાનંદજીને સાચી શ્રદ્ધાંજલિ હશે.