વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંયુક્ત અરબ અમીરાતના બે દિવસના પ્રવાસે જશે. પ્રવાસ દરમિયાન પીએમ મોદી સંયુક્ત અરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહ્યાન સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. બન્ને નેતા ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દા પર ચર્ચા કરશે. છેલ્લા આઠ મહિનામાં પીએમ મોદી સંયુક્ત અરબ અમીરાતના રાષ્ટ્રપતિને પાંચમી વખત મળશે.
યુએઇના પ્રવાસ દરમિયાન નવી દિલ્હીમાં વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રાએ કહ્યું કે વડાપ્રધાન સંયુક્ત અરબ અમીરાતના ઉપ રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને સંરક્ષણ મંત્રી સાથે પણ મુલાકાત કરશે. વડાપ્રધાન મોદી દૂબઇમાં વિશ્વ સરકાર શિખર સમ્મેલન 2024માં ભાગ લેશે. પીએમ મોદી અબુધાબીમાં પ્રથમ હિન્દૂ મંદિર ‘બોચાસનવાસી અક્ષર પુરૂષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા’ મંદિરનું ઉદ્દઘાટન કરશે. પીએમ મોદી અબુધાબીમાં ભારતીય સમાજને પણ સંબોધિત કરશે.
વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રાએ કહ્યું કે મંદિરનું ઉદ્દઘાટન પીએમની યૂએઇ યાત્રાનો મહત્ત્વનો ભાગ છે, તે દિવસે લગભગ 2000-5000 ભક્તોના મંદિરમાં આવવાની આશા છે. પીએમ મોદી પ્રત્યે લોકોમાં દિવાનગી દેશ જ નહીં વિદેશમાં પણ જોવા મળી રહી છે. યૂએઇમાં યોજાનારા અહલન મોદી કાર્યક્રમ માટે કરવામાં આવેલા રજિસ્ટ્રેશનથી લોકોનો ઉત્સાહ કેટલો છે તે જોઇ શકાય છે. આ કાર્યક્રમ માટે 65 હજાર લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.






