બીજેપીના વરિષ્ઠ નેતા સુવેન્દુ અધિકારી અને પક્ષના અન્ય કેટલાક ધારાસભ્યોને સોમવારે બપોરે અશાંતિગ્રસ્ત સંદેશખાલી વિસ્તારની મુલાકાત લેવાથી અટકાવવામાં આવ્યા હતા, પોલીસે કલમ 144 હેઠળ પ્રતિબંધિત આદેશોને ટાંકીને આ વિસ્તારમાં નાકાબંધી કરી હતી. અગાઉના દિવસે, ઉત્તર 24 પરગણા જિલ્લાના સંદેશખાલીમાં અશાંતિ અંગે ગૃહમાં વિરોધ પ્રદર્શન કરવા બદલ પશ્ચિમ બંગાળ વિધાનસભામાંથી વિરોધ પક્ષના નેતા સુવેન્દુ અધિકારી સહિત ભાજપના છ ધારાસભ્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
સસ્પેન્શન પછી, અધિકારી અન્ય બીજેપી ધારાસભ્યો સાથે સંદેશખાલીના સ્થાનિક મહિલાઓને મળવા માટે બસમાં ચડ્યા હતા, જેમણે ટીએમસીનાં નેતા શાજહાન શેખ અને તેમના સમર્થકો દ્વારા જાતીય સતામણીનો આક્ષેપ કર્યો છે. અધિકારીએ જણાવ્યું હતું કે “અધિકારીઓએ અમને બસંતી હાઇવે પર ત્યાં પ્રતિબંધિત આદેશોને ટાંકીને રોક્યા હતા અને બસીરહાટ પોલીસ અધિક્ષક દ્વારા એક પત્રમાં દાવો કરવામાં આવ્યો હતો કે સંદેશખાલીની મારી મુલાકાતથી આ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સમસ્યાઓ ઊભી થઈ શકે છે.”