આજે ખેડૂતોના આંદોલનનો પાંચમો દિવસ છે. પંજાબના ખેડૂતો દિલ્હી જવાની જીદ સાથે શંભુ બોર્ડર પર રોકાયા છે. આ આંદોલનમાં એક ખેડૂત અને સબ ઈન્સ્પેક્ટર સહિત બે લોકોના મોત થયા છે.
પંજાબનું મોટું ખેડૂત સંગઠન BKU (ઉગરાહા) પણ આ આંદોલનમાં જોડાયું છે. તેઓ 2 દિવસ માટે પંજાબમાં તમામ ટોલ ફ્રી કરાવશે. આ સિવાય પંજાબ ભાજપના નેતાઓ પૂર્વ સીએમ કેપ્ટન અમરિંદર સિંહ, પ્રદેશ અધ્યક્ષ સુનીલ જાખડ અને કેવલ ધિલ્લોનના ઘરનો ઘેરાવ કરશે. બીકેયુ (ચઢુની) હરિયાણાના તાલુકાઓમાં ટ્રેક્ટર રેલી કાઢશે.
ખેડૂતોના આંદોલનને સમાપ્ત કરવા માટે, આવતીકાલે રવિવારે ચંદીગઢમાં કેન્દ્રીય મંત્રીઓ અને ખેડૂત નેતાઓ વચ્ચે ચોથી બેઠક યોજાશે. આંદોલનના ચોથા દિવસે, જ્યારે ખેડૂતોએ બેરિકેડ તરફ જવાનો પ્રયાસ કર્યો, ત્યારે હરિયાણા પોલીસે તેમના પર ટીયર ગેસના શેલ છોડ્યા. શેલ છોડવામાં આવતાં અનેક ખેડૂતો ઘાયલ થયા હતા.
ખેડૂતોના ભારત બંધને પંજાબ-હરિયાણામાં સંપૂર્ણ સમર્થન મળ્યું. સરકારી બસો પણ બંધ હતી. હરિયાણામાં ટોલ પોઈન્ટ 3 કલાક માટે ફ્રી કરવામાં આવ્યા હતા. હરિયાણા પોલીસે ખેડૂત નેતા અભિમન્યુ કોહર અને તેના 5 સાથીઓ સામે FIR નોંધી છે. તેના પર પંજાબ-હરિયાણાની ખનૌરી બોર્ડર પર પોલીસ પર હુમલો કરવાનો આરોપ છે.