હાલ કોંગ્રેસની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ ઉત્તર પ્રદેશમાં છે અને તેની આગેવાની રાહુલ ગાંધી કરી રહ્યા છે, પરંતુ 2018ના એક માનહાનિના કેસમાં સુલ્તાનપુરની સ્થાનિક કોર્ટમાં હાજર થવાના હોવાથી કેટલાક કલાકો સુધી યાત્રા પર બ્રેક વાગી જશે, તેમ કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે જણાવ્યું છે.
કોંગ્રેસ નેતા જયરામ રમેશે સોશિયલ મીડિયા પોસ્ટ પર જણાવ્યું કે, ‘ભારત જોડો ન્યાય યાત્રાને સોમવારે 37 દિવસ પુરા છે, પરંતુ યાત્રા આવતીકાલે મંગળવારે થોડા કલાકો માટે અટકશે. ત્યારબાદ બપોરે 2.00 વાગ્યાથી અમેઠીના ફુરસતગંજથી ફરી શરૂ કરાશે. રાહુલ ગાંધી સવારે 11.00 કલાકે સુલ્તાનપુરની એક સ્થાનિક કોર્ટમાં હાજર થઈ શકે છે.’
સુલતાન પુરની એમપી-એમએલએ કોર્ટે વર્ષ 2018ના એક કેસમાં રાહુલ ગાંધીને 20 ફેબ્રુઆરીએ કોર્ટમાં હાજર થવા આદેશ આપ્યો છે. રાહુલે 2018માં બેંગલુરુમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી, જે મુદ્દે BJPના જિલ્લા ઉપાધ્યક્ષ વિજય મિશ્રાએ રાહુલ વિરુદ્ધ કેસ દાખલ કરાવ્યો હતો.
આ કેસ અંગે વિજય મિશ્રાએ જણાવ્યું કે, ‘જ્યારે આ ઘટના બની, ત્યારે હું ભાજપનો જિલ્લા ઉપાધ્યક્ષ હતો. રાહુલ ગાંધીએ બેંગલુરુમાં અમિત શાહને હત્યારા કહ્યા હતા. જ્યારે મેં તેમના આક્ષેપો અંગે સાંભળ્યું તો હું ઘણો દુઃખી થયો હતો, કારણ કે હું પાર્ટીનો કાર્યકર્તા છું. મેં મારા વકીલ દ્વારા ફરિયાદ નોંધાવી હતી અને આ કેસ પાંચ વર્ષથી પેન્ડિંગ છે.’ વિજય મિશ્રાના વકીલ સંતોષ કુમાર પાંડેયે કહ્યું કે, જો રાહુલ ગાંધી વિરુદ્ધ પૂરતા પુરાવા મળી આવે તો તેમને વધુમાં વધુ બે વર્ષની સજા થઈ શકે છે.
રાહુલ ગાંધીને આસામ CIDએ મોકલ્યું સમન્સ
કોંગ્રેસ નેતાઓ પર ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન ગુવાહાટીમાં સાર્વજનિક સંપત્તિને નુકશાન કરવાનો આરોપ છે. CrPCની કલમ 41A (3) હેઠળ સોમવારે તેમને સમન્સ જારી કરવામાં આવ્યા છે. આસામ પોલીસના ક્રિમિનલ ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID) એ રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના 11 નેતાઓને સમન્સ પાઠવ્યા છે. તેના દ્વારા આ લોકોને 23 ફેબ્રુઆરીએ વિભાગ સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. કોંગ્રેસ નેતાઓ પર ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન ગુવાહાટીમાં સાર્વજનિક સંપત્તિને નુકશાન કરવાનો આરોપ છે.