હિમવર્ષાના કારણે શ્રીનગર-લેહ હાઈવે સહિત ઘણા રસ્તાઓ બંધ થઈ ગયા છે. આ સાથે હવામાન વિભાગે જમ્મુ-કાશ્મીરમાં આગામી ત્રણ દિવસ હિમવર્ષા અને વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આજે મંગળવાર માટે હિમાચલ પ્રદેશ, લદ્દાખ, ઉત્તરાખંડ અને જમ્મુ કાશ્મીરમાં ભારેથી અતિભારે વરસાદ અને હિમવર્ષાની આગાહી જારી કરી છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ઉત્તર ભારત સહિત દેશના કેટલાક રાજ્યોમાં વરસાદ અને હિમવર્ષા થઇ રહી છે. સોમવારે રાત્રે રાજધાની દિલ્હીમાં હવામાનનો મૂડ બદલાયો હતો, મોડી રાત્રે દિલ્હીના કેટલાક વિસ્તારમાં માવઠું પડ્યું હતું, જ્યારે ચંદીગઢ અને ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારોમાં વીજળી ઠપ થઈ ગઈ હતી. પર્વતીય રાજ્યોમાં હિમવર્ષાને કારણે હવામાન વિભાગે રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
પંજાબ અને હરિયાણામાં પણ હવામાન બદલાયું છે. હવામાન વિભાગે હરિયાણાના કેટલાક જીલ્લાઓમાં ભારે પવનની સાથે સાથે કરા પડવાની ચેતવણી જાહેર કરી છે. હવામાન વિભાગે પંજાબના 17 જિલ્લામાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે 5 જિલ્લામાં કરા પડવાની ચેતવણી પણ આપવામાં આવી છે. આ સિવાય સોમવારે ચંદીગઢમાં વરસાદ અને કરા પડ્યા હતા.