મેડિકલની પ્રવેશ પરીક્ષા ‘નીટ-યુજી’ પાંચમી મેએ વિદેશના ૧૪ શહેરમાં યોજાશે એવી જાહેરાત નેશનલ ટૅસ્ટિંગ એજન્સી (એનટીએ)એ કરી હતી. ‘નીટ’ આપવા માગતા ઉમેદવારો પાસેથી એનટીએને એ જાણ કરતી વિનંતી મળી હતી કે પરીક્ષા અંગેના બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં પરીક્ષા આપવા માગતા ઉમેદવારો માટે વિદેશમાં સેન્ટર અંગેનો કોઈ ઉલ્લેખ નહોતો.
આ પરીક્ષા વિદેશના ૧૪ શહેરમાં પણ યોજવામાં આવશે એવા નિર્ણય લેવામાં આવ્યો હોવાનું એનટીએના વરિષ્ઠ ડિરેક્ટર સાધના પરાશરે કહ્યું હતું. ૧૨ દેશના ૧૪ શહેરમાં આ પરીક્ષા યોજવામાં આવશે. આ ૧૪ શહેરમાં દુબઈ, અબુધાબી, શારજાહ (યુએઈ), કુવૈત, બૅંગકોક, કોલંબો, દોહા, કાઠમંડુ, કુઆલા લમ્પુર, લાગૉસ, મનામા (બહેરિન), મસ્કત, રિયાધ અને સિંગાપોરનો સમાવેશ થાય છે. ભારતમાં ૫૫૪ સેન્ટર પર આ પરીક્ષા લેવામાં આવશે.