અમેરિકા ફરી એક વખત ચંદ્ર પર પહોચ્યું છે. 50 વર્ષ બાદ એક અમેરિકન અવકાશ યાન ચંદ્ર પર ઉતર્યું છે. 1972માં અપોલો મિશન બાદ અમેરિકામાં બનેલું કોઇ અવકાશ યાન ચંદ્ર પર ઉતર્યું છે. ચંદ્ર પર ઉતરનારા અવકાશ યાનનું નામ ઓડીસિયસ એટલે કે ઓડી છે. આ છ પગ ધરાવતું એક રોબોટ લેન્ડર છે જે ભારતીય સમય અનુસાર શુક્રવાર સવારે 4.30 વાગ્યે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પાસે માલાપર્ટ એ નામના ક્રેટરમાં ઉતર્યું છે. ચંદ્રનો દક્ષિણ ધ્રુવ તે ભાગ છે જેના નજીક ભારતનું ચંદ્રયાન 3નું વિક્રમ લેન્ડર ઉતર્યું હતું.
લેન્ડિંગ બાદ સિગ્નલની પૃષ્ટી મળતા જ મિશનના ડાયરેક્ટર ડૉ. ટિમ ક્રેને કહ્યું, ‘હ્યૂસ્ટન, ઓડીસિયસને પોતાનું નવું ઘર મળી ગયું છે.’ નાસાના સહયોગથી તેને એક પ્રાઇવેટ કંપનીએ બનાવ્યું છે. ઇંટુએટિવ મશીન્સના સીઇઓ સ્ટીવ અલ્ટેમસે કહ્યું, મને ખબર છે કે આ એક મુશ્કેલ હતું પરંતુ અમે સપાટી પર છીએ, અમે ટ્રાન્સમિટ કરી રહ્યાં છીએ, ચંદ્ર પર તમારૂ સ્વાગત છે.’
આ પુરૂ મિશન એક પ્રાઇવેટ કંપનીનું છે પરંતુ નાસાએ પોતાના વૈજ્ઞાનિક ઉપકરણ અને ટેકનોલોજીને ચંદ્ર પર લઇ જવા માટે તેને ફંડ આપ્યું હતું. આ લેન્ડર સાથે મોકલવામાં આવેલા નાસાના પેલોડ ચંદ્રની સપાટીની સાથે અવકાશ હવામાન, રેડિયો ખગોળ વિજ્ઞાન અને ભવિષ્યના લેન્ડર માટે ચંદ્રનો ડેટા ભેગો કરશે. નાસાનું લક્ષ્ય છે કે એક વખત ફરી માણસને ચંદ્ર પર મોકલવામાં આવે. આ હિસાબથી આ મિશન ઘણો મહત્ત્વપૂર્ણ છે. જોકે, ઓડીસિયસના એક મહિના પહેલા એક અન્ય પ્રાઇવેટ કંપનીનું મિશન ફેલ થઇ ગયું હતું.
અમેરિકાની એસ્ટ્રોબોટિક ટેકનોલોજીએ જાન્યુઆરીમાં પેરેગ્રીન લેન્ડર સાથે ચંદ્ર પર ઉતરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ લોન્ચિંગના કેટલાક સમય બાદ તેમાં લીકની સમસ્યા જોવા મળી હતી. બાદમાં આ અવકાશ યાન ધરતીની કક્ષામાં પરત ફર્યું હતું અને સળગી ગયું હતું. આ પહેલા જાપાન પણ ચંદ્ર પર લેન્ડિંગ કરી ચુક્યુ છે. જાન્યુઆરી 2024માં જાપાન સફળ પિનપોઇન્ટ લેન્ડિંગ કરાવવામાં સફળ રહ્યું હતું. ગત વર્ષે ઓગસ્ટમાં ભારતનું ચંદ્રયાન-3 મિશન પણ ચંદ્ર પર ઉતરવામાં સફળ રહ્યું હતું. ઓડીસિયસ 15 ફેબ્રુઆરીએ ફ્લોરિડામાં લોન્ચ થયું હતું અને હાઇ સ્પીડથી ચંદ્ર પર પહોચ્યું છે.