ઉત્તર પ્રદેશના જલાલાબાદમાં ભત્રીજાના લગ્નના રિસેપ્શનમાં સામેલ થવા માટે આવેલા મુંબઇના 35 વર્ષીય નિહાલ ખાનની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. નિહાલ ખાન ડૉન દાઉદ ઇબ્રાહિમના ભાઇ ઇકબાલ કાસકરનો બનેવી હતો. પરિવારના સૂત્રોએ આ જાણકારી આપી છે. નિહાલ જલાલાબાદના ચેરમેન શકીલ ખાનનો સાળો પણ હતો.
2016માં નિહાલ શકીલની ભત્રીજી સાથે ભાગી ગયો હતો. જોકે, બાદમાં બન્ને વચ્ચે સમજૂતિ થઇ ગઇ હતી. શકીલે કહ્યું, “નિહાલ 15 ફેબ્રુઆરીએ પોતાની ફ્લાઇટ મિસ કરી ગયો હતો અને રોડ માર્ગે અહીં પહોંચ્યો હતો. એવું લાગે છે કે મારો ભાઇ કામિલ હજુ પણ 2016ની ઘટનાને લઇને નિહાલથી નારાજ હતો અને બદલો લેવા માંગતો હતો.”
મહત્ત્વપૂર્ણ છે કે પાકિસ્તાનમાં સંતાયેલા ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી દાઉદ ઇબ્રાહિમને ઝેર આપવાના સમાચાર સામે આવ્યા હતા, તેને કરાચીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ સમાચાર સામે આવ્યા બાદ પાકિસ્તાનમાં ફેસબુક, એક્સ, યુ ટ્યુબ અને ગૂગલ સર્વિસ ડાઉન થઇ ગઇ હતી. મહત્ત્વપૂર્ણ છે કે દાઉદ ઇબ્રાહિમ પહેલાથી જ કિડનીની ગંભીર બીમારી સામે ઝઝુમી રહ્યો છે.