આજે સોમવારે ખેડૂતોના આંદોલનનો 14મો દિવસ છે. ખેડૂતોએ 29મી ફેબ્રુઆરી સુધી દિલ્હી કૂચ કરવાનો નિર્ણય મોકૂફ રાખ્યો છે. જો કે, તેઓ પંજાબ-હરિયાણાની શંભુ અને ખનૌરી બોર્ડર પર રોકાયેલા છે. સોમવારે સંયુક્ત કિસાન મોરચા (SKM) ખેડૂતોના સમર્થનમાં દેશભરમાં ટ્રેક્ટર રેલી કાઢશે. આંદોલનમાં જોડાયેલા ખેડૂતો વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (WTO)ના પૂતળા દહન કરશે.
અગાઉ, રવિવારે (25 ફેબ્રુઆરી) ખેડૂતોએ કેન્દ્ર સાથે વાતચીત કરવાનો સંકેત આપ્યો હતો. કિસાન મજદૂર મોરચા (KMM) ના સંયોજક સરવન પંઢેરે શંભુ બોર્ડર પર કહ્યું, “સરકાર સરહદ ખોલવી અને ઇન્ટરનેટ શરુ કરવા માટે કામ કરી રહી છે. હવે આ વાતાવરણમાં યોગ્ય વાતચીત થઈ શકે છે. સંયુક્ત કિસાન મોરચા (બિન-રાજકીય)ના પ્રમુખ જગજીત ડલ્લેવાલે કહ્યું કે ખેડૂતોને ગોળી મારનારાઓ સામે સરકારે કાર્યવાહી કરવી જોઈએ. જેઓ પંજાબમાં ઘૂસી ગયા અને ખેડૂતોને હટાવવા, માર માર્યો અને ટ્રેક્ટરની તોડફોડ કરનાર સામે પણ કાર્યવાહી થવી જોઈએ.