બે દિવસ બાદ પ્રદેશ ભાજપની પાર્લમેન્ટરી બોર્ડની બેઠક મળશે. આ બેઠક અગાઉ લોકસભા સીટ દીઠ સેન્સપ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. સેન્સપ્રક્રિયા શરૂ કર્યા પહેલા કમલમ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક બાદ અચાનક સેન્સ પ્રક્રિયામાં ભાગ લેવા માટે દરેક સીટ ઉપર ત્રણ ત્રણ નિરીક્ષકો પહોંચ્યા હતા
25 ફેબ્રુઆરીના રોજ પીએમની ગુજરાત મુલાકાત પૂરી થઈ કે તુરંત જ વહેલી સવારથી વિવિધ લોકસભા બેઠકના નિરીક્ષકો દોડતા થઈ ગયા હતા. નિરીક્ષક તરીકે પૂર્વ મંત્રી, પૂર્વ ધારાસભ્યો તથા પ્રદેશ હોદ્દેદાર અને વર્તમાન મંત્રીઓને જવાબદારી સોંપવામાં આવી છે. તેમા પણ આ સેન્સ પ્રક્રિયામાં ભાજપે દરેક સીટ પરના નિરિક્ષકોમાં એક મહિલાને પણ સ્થાન આપ્યું છે. સોમવારની બપોરે ત્રણ વાગ્યાથી સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો. સતત બે દિવસ સુધી પ્રક્રિયા ચાલ્યા બાદ તારીખ 28 ફેબ્રુઆરીના રોજ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના નિવાસસ્થાને રાજ્ય પાર્લમેન્ટ્રી બોર્ડની બેઠક યોજાશે. જ્યારે 29મીએ દિલ્હીમાં મળનારી સેન્ટ્રલ પાર્લમેન્ટરી બોર્ડની બેઠક બાદ ગુજરાતની કેટલીક સીટોના જાહેર થઈ શકે છે.
ગાંધીનગર લોકસભા બેઠક પરથી અમિત શાહ ફરીવાર ચૂંટણી લડશે
અમદાવાદના નારણપુરામાં આવેલી GCS બેન્ક ખાતે ગાંધીનગર લોકસભા બેઠક સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં કોઈએ પણ ફોર્મ ન ભરતા વર્તમાન સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહનું નામ સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું છે. ગાંધીનગર લોકસભા બેઠક પરથી અમિત શાહ ફરીવાર ચૂંટણી લડશે. ગાંધીનગર લોકસભા બેઠકની સેન્સ પ્રક્રિયામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન દોશી અને સંગઠનના પદાધિકારીઓ, ગાંધીનગર લોકસભા બેઠક હેઠળ આવતી 4 વિધાનસભાના ધારાસભ્ય, કોર્પોરેટર અને અન્ય હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યાં હતા.