વડોદરા, અમદાવાદ, સુરત અને કરજણ સહિતના સ્થળોએ ઓફિસો ખોલીને ભેજાબાજોએ વિદેશમાં વર્ક પરમિટ અપાવવાના નામે 200થી વધુ લોકો સાથે ઠગાઈ કરી હોવાનું બહાર આવ્યું છે. 3 દિવસ પહેલાં વડોદરા ક્રાઇમ બ્રાંચે મૂળ સૂરતના અને વડોદરામાં રહેતા ભાવેશ ચૌહાણને ઝડપી પાડ્યો હતો. આ ભાવેશ ચૌહાણ ક્રિપા ઓવરસીઝ નામની કન્સલ્ટન્સી ચલાવતો હતો અને વિદેશમાં વર્ક પરમિટ અપાવવાના નામે ઠગાઈ કરતો હતો.
આરોપી ભાવેશ ચૌહાણની ધરપકડ બાદ તે 5 દિવસના રિમાન્ડ પર છે. આ દરમિયાન ભોગ બનનાર 200થી વધુ લોકો પાસેથી એક લિસ્ટ મળ્યું હતું. જેમાં આ લોકો પણ ઠગાઈનો બોગ બન્યા હોવાનું કહેવાયું હતું. જેથી અમારી ટીમ દ્વારા ભોગ બનનાર તમામ લોકોનો ટેલિફોનિક સંપર્ક કરીને નિવેદન માટે બોલાવવામાં આવી રહ્યા છે અને તેમની પાસેથી પુરાવા મેળવવામાં આવી રહ્યા છે અને નિવેદન લેવામાં આવી રહ્યા છે. તેઓ સાક્ષી બનવા માંગતા હોય કે ફરિયાદ કરવા માંગતા હોય તો તેમની ફરિયાદ લેવામાં આવશે.