હરિયાણામાં ઈન્ડિયન નેશનલ લોકદળના પ્રદેશ અધ્યક્ષ નફે સિંહ રાઠીની હત્યાની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશનને સોંપવામાં આવી છે. હરિયાણા વિધાનસભાના બજેટ સત્રમાં કોંગ્રેસે સરકાર પાસે હાઈકોર્ટના જજ અથવા સીબીઆઈ દ્વારા તપાસ કરાવવાની માગ કરી હતી. તેના પર ગૃહમંત્રી અનિલ વિજે જવાબ આપ્યો કે અમે સીબીઆઈ તપાસ માટે તૈયાર છીએ.
આ પછી પરિવાર અંતિમ સંસ્કાર માટે તૈયાર થઈ ગયો. તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. જો કે પરિવારજનોએ પણ પોલીસને આરોપીને પકડવા માટે 7 દિવસનો સમય આપ્યો છે.
નફે સિંહ રાઠીની હત્યા પહેલાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં હત્યારાઓ સફેદ રંગની કાર HR-51BV 1480માં જોવા મળે છે. ડ્રાઈવરની બાજુની સીટ પર બેઠેલો હુમલાખોર ફોન પર વાત કરતો જોવા મળે છે. રાઠીની 25 ફેબ્રુઆરી, રવિવારની સાંજે હત્યા કરવામાં આવી હતી. બરાહી રેલવે ફાટક બંધ થવાને કારણે રાઠી બહાદુરગઢ પાસે રોકાઈ ગયા હતા. તે જ સમયે આઈ-10 કારમાં આવેલા હુમલાખોરો રાઠીની ફોર્ચ્યુનર પાસે પહોંચ્યા હતા. આ પછી તેમણે રાઠી પર 40થી 50 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ પછી તેઓ સોનીપત તરફ ભાગી ગયા હતા.