ભારતે રશિયા પાસેથી સસ્તા ભાવે તેલ ખરીદ્યું હોવાનો મુદ્દો વૈશ્વિક સ્તરે ચર્ચાઈ રહ્યો છે. ભારત સરકારે પણ સમયાંતરે આ અંગે પ્રતિક્રિયા આપી છે. પરંતુ હવે આ મામલે રશિયા તરફથી નિવેદન સામે આવ્યું છે. રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવે કહ્યું કે મારા મિત્ર જયશંકરે આનો ખૂબ જ સારો જવાબ આપ્યો છે. રશિયાના સોચીમાં વર્લ્ડ યુથ ફોરમ દરમિયાન લવરોવને પૂછવામાં આવ્યું કે યુક્રેન યુદ્ધ વચ્ચે ભારત રશિયા પાસેથી તેલ કેમ ખરીદી રહ્યું છે. તેના પર લવરોવે જયશંકરને પોતાના મિત્ર ગણાવ્યા અને કહ્યું કે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવું એ ભારત માટે રાષ્ટ્રીય ગરિમાનો વિષય છે.
લવરોવે કહ્યું કે મારા મિત્ર વિદેશ મંત્રી જયશંકરે સંયુક્ત રાષ્ટ્રમાં પોતાના સંબોધનમાં આ વિશે કહ્યું હતું. તેમને પૂછવામાં આવ્યું કે તેઓએ (ભારત) રશિયા પાસેથી આટલું તેલ કેમ ખરીદવાનું શરૂ કર્યું? આના પર જયશંકરે તેમને તેમનું કામ કરવાની સલાહ આપી અને તેમને યાદ અપાવ્યું કે પશ્ચિમી દેશોએ કેટલું તેલ ખરીદવાનું શરૂ કર્યું છે. લવરોવનું આ નિવેદન યુરોપિયન દેશોના તે નિવેદન બાદ આવ્યું છે જેમાં રશિયા પાસેથી તેલ ખરીદવાના ભારતના પગલાની ટીકા કરવામાં આવી હતી. યુરોપિયન દેશોએ કહ્યું હતું કે મોસ્કો પર પશ્ચિમી દેશોના પ્રતિબંધો માટે ભારત રશિયા પાસેથી તેલ ખરીદે છે તે યોગ્ય નથી.