પંજાબમાં અલગ-અલગ ખેડૂત સંગઠનોએ ‘દિલ્હી ચલો’ માર્ચનું આહવાન કર્યું છે. એવામાં બુધવારે મોટી સંખ્યામાં ખેડૂતોના દિલ્હી પહોંચવાની આશા છે. આ વાતનું ધ્યાન રાખતા દિલ્હી પોલીસે કહ્યું કે તેમણે દિલ્હીના રેલ્વે સ્ટેશન અને ઇન્ટનેટ બસ ટર્મિનલ પર સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી છે. આવનારા દરેક વ્યક્તિ પર નજર રાખવામાં આવી રહી છે. પોલીસ ખેડૂતોના માર્ચને લઇને એલર્ટ છે.
ખેડૂત પ્રદર્શનનું નેતૃત્વ બે ખેડૂત સંગઠન ‘કિસાન મજદૂર મોર્ચા અને સંયુક્ત કિસાન મોર્ચા કરી રહ્યાં છે. બન્ને સંગઠનોએ 3 માર્ચે દેશભરના ખેડૂતોને અપીલ કરી હતી કે 6 માર્ચે મોટી સંખ્યામાં દિલ્હી પહોંચે. દિલ્હી પહોંચવા માટે તે ટ્રેન અને બસનો ઉપયોગ કરે. ખેડૂતોના પ્રદર્શનને કારણે દિલ્હી પોલીસે ટિકરી, સિંધુ અને ગાજીપુર બોર્ડર પર સુરક્ષા વધારી દીધી છે. આ સિવાય દિલ્હીના તમામ મેટ્રો સ્ટેશનો પર પણ નજર રાખવામાં આવી રહી છે.
દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થાની જાણકારી રાખનારા એક સીનિયર પોલીસ અધિકારીએ જણાવ્યુ કે રેલ્વે સ્ટેશન અને બસ સ્ટેન્ડ પર ટીમોને તૈનાત કરવામાં આવી છે, જે શહેર પહોંચનારા પ્રદર્શનકારીઓની ધરપકડ કરશે. સૌથી વધુ પોલીસને રેલ્વે સ્ટેશન અને બસ સ્ટેન્ડ પર તૈનાત કરવામાં આવી છે, કારણ કે ખેડૂત સંગઠનોએ ખેડૂતોને તેના દ્વારા જ દિલ્હી પહોંચવા માટે કહ્યું છે. ખેડૂતોને હજુ સુધી દિલ્હી પહોંચવાની તક મળી નથી.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ‘દિલ્હીમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે, જેના હેઠળ ચાર કે તેથી વધુ લોકોના એક વિસ્તારમાં ભેગા થવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પોલીસ દળની વધારાની કંપનીઓ આ તમામ સંભવિત સ્થળો પર તૈનાત કરવામાં આવી છે, જ્યા પ્રદર્શનકારી ભેગા થઇ શકે છે. અમે તેમણે તુરંત ત્યાથી ધરપકડ કરી લઇશું. શહેરના રસ્તા પર કોઇ બેરિકેડિંગ નહીં હોય. જોકે, અમે વિવિધ રસ્તા પર વાહનોની અવર જવર પર સમય સમયે નજર રાખીશું.
‘રેલ રોકો’ આંદોલન માટે પણ તૈયાર થઇ રેલ્વે
ખેડૂત સંગઠનોએ 10 માર્ચે દેશભરમાં ‘રેલ રોકો’આંદોલનનું પણ આહવાન કર્યુ છે. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (રેલ્વે) કેપીએસ મલ્હોત્રાએ કહ્યુ કે કોઇ પણ દૂર્ઘટનાથી બચવા માટે રેલ્વે સ્ટેશનોની અંદર અને બહાર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે, તેમણે કહ્યું, ‘અમે રેલ્વે સ્ટેશનો પર મુસાફરોની અવર જવર પર નજર રાખી રહ્યાં છીએ.’ દિલ્હીના કેટલાક મુખ્ય રેલ્વે સ્ટેશન જેવા કે નવી દિલ્હી, જૂની દિલ્હી, આનંદ વિહાર, સરાય રોહિલ્લા પર સુરક્ષા વધારી દીધી છે.