અમદાવાદ ક્રાઈમ બ્રાંચ પોલીસ મથકમાં ડોક્ટર યુવતીએ પીઆઈનાં ત્રાસથી આપઘાત કરી લેતા ચકચાર મચી છે. ક્રાઈમ બ્રાન્ચ પરિસરમાં બાંકડા પર મહિલા તબીબે હાથ પર ઈંજેક્શન મારી આત્મહત્યા કરી લેતા અનેક શંકા-કુશંકાઓ સેવાઈ રહી છે. આ બાબતે ગાયકવાડ હવેલી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તબીબ યુવતીનાં મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો હતો. તેમજ પેનલ ર્ડાક્ટર મારફતે મૃતદેહનું પીએમ કરવામાં આવ્યું હતું.
ખેડા જીલ્લાનાં બાલાસિનોરનાં વતની અને અમદાવાદ ખાતે શિવરંજની વિસ્તારમાં રહેતા પીજીમાં રહેતા વૈશાલી જોશી જેઓ અમદાવાદ ખાતે ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા. ગત રોજ બુધવારે 4 વાગ્યા આસપાસ વૈશાલીબેનનો મૃતદેહ ક્રાઈમ બ્રાંચની ઓફીસમાં ઈઓડબ્લ્યુની ઓફીસ બહાર બાંકડા પરથી મળી આવ્યો હતો. તેમજ વૈશાલીબેનનાં હાથમાં વીંગો હતી. તેમજ આજુબાજુમાંથી ઈંજેક્શન પણ મળી આવ્યા હતા. જેથી તેમણે આત્મહત્યા કરી હોવાની પોલીસને શંકા ગઈ હતી. આ બાબતની જાણ ગાયકવાડ હવેલી પોલીસને થતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી યુવતીનાં મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો હતો.
આ બાબતે ક્રાઈમ બ્રાન્ચનાં અધિક પોલીસ કમિશ્નર નીરજ બડગુજરે જણાવ્યું હતું કે,વૈશાલીબેન શા માટે ક્રાઈમ બ્રાંચમાં આવ્યા હતા. તે જાણી શકાયું નથી. તેમજ આ ઘટનાં બાબતે વૈશાલીબેનનાં માતા-પિતાને જાણ કરવામાં આવતા તેઓ મોડી રાત્રે અમદાવાદ આવી પહોંચ્યા હતા. તેમજ આ સમગ્ર ઘટના બાબતે તેઓની પૂછપરછ કરવામાં આવશે.
ડોક્ટર વૈશાલી જોશીના પર્સમાંથી 15 પેજની સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં ક્રાઈમ બ્રાંચનાં પીઆઈ બી.કે.ખાચર વિરૂદ્ધ આક્ષેપ કરવામાં આવ્યા હતા. તેમજ પીઆઈ ખાચરથી કંટાળી યુવતીએ જીવન ટૂંકાવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આર્થિક ગુના નિવારણ શાખામાં ફરજ બજાવતા પીઆઈ તેમજ મૃતક વચ્ચે પ્રેમ સબંધ હોવાનું જાણવા મળી રહ્યું છે. વૈશાલીબેનની મુલાકાત અને આપઘાત બાબતને લઈ પોલીસ દ્વારા મૌન સેવવામાં આવી રહ્યું છે. પોસ્ટમોર્ટમ બાદ આપઘાતનું સાચુ કારણ જાણવા મળી શકે છે.