સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા બંગલામાં આગ લાગતાં AAPના કોર્પોરેટર જિતેન્દ્ર કાછડિયાના પુત્રનું મોત નીપજ્યું છે. ઘરમાં આગ લાગવાના કારણે પરિવારના છ સભ્ય બાજુના ઘરમાં કૂદી પોતાનો જીવ બચાવી લીધો હતો, જોકે 17 વર્ષીય પુત્ર ફસાઈ જતાં તેનું મોત થયું છે.
મળતી માહિતી પ્રમાણે, સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલી આનંદધારા સોસાયટીમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર જિતેન્દ્રભાઈ કાછડિયા સંયુક્ત પરિવારમાં રહે છે. ગ્રાઉન્ડ પ્લસ બે માળનો બંગલો ધરાવે છે. પરિવારમાં બે દીકરા છે. મોટો દીકરો અભ્યાસ કર્યા બાદ ધંધો કરે છે, જ્યારે નાનો દીકરો 17 વર્ષીય પ્રિન્સ ધોરણ 12માં અભ્યાસ કરતો હતો.
પ્રિન્સ હાલ ધોરણ 12ની બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. ગ્રાઉન્ડ પ્લસ બે માળના મકાનમાં પહેલા માળે કોઈ નહોતું અને આખો પરિવાર બીજા માળે સૂતો હતો. દરમિયાન રાત્રે બે વાગ્યા આસપાસ પહેલા માળે અચાનક આગ ફાટી નીકળી હતી. આગે ભીષણ રૂપ ધારણ કરી લીધું હતું, જેથી ધુમાડો પણ આખા ઘરમાં પ્રસરી ગયો હતો. બીજા માળે જિતેન્દ્ર કાછડિયાના પરિવારના સાત સભ્ય સૂતા હતા. આગની ઘટનાની જાણ થતાં આખા પરિવારમાં ભયનો માહોલ સર્જાઈ ગયો હતો. એક બેડરૂમમાં પ્રિન્સ અને તેનો ભાઈ સૂતા હતા, જેને તેના કાકાએ ધુમાડાની વચ્ચે જઈને જગાડ્યા હતા. ત્યાર બાદ તમામે બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો. જોકે નીચે ઊતરી શકાય એવી સ્થિતિ ન હતી.