વડાપ્રધાન નરેન્દ્ર મોદી આસામ પ્રવાસે છે. મોદી શનિવારે સવારે 5 થી 6 વાગ્યાની વચ્ચે કાઝીરંગા નેશનલ પાર્ક પહોંચ્યા હતા. વડાપ્રધાને કાઝીરંગા નેશનલ પાર્કમાં હાથી પર સવારી કરી હતી અને જંગલમાં સફારી પર ગયા હતા. આ દરમિયાન પાર્ક ડિરેક્ટર સોનાલી ઘોષ તેમની સાથે હતા અને સીનિયર ફોરેસ્ટ અધિકારી પણ હતા. કાઝીરંગાને 1974માં રાષ્ટ્રીય ઉદ્યાનનો દરજ્જો મળ્યો હતો અને આ વર્ષે કાઝીરંગા આ સિદ્ધિની સુવર્ણ જયંતિની ઉજવણી કરી રહ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આસામમાં લગભગ 18 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. અહીં તેઓ જાહેરસભાને પણ સંબોધન કરશે. આ સિવાય તેઓ પીએમ મોદી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનેલા 5.5 લાખથી વધુ ઘરો માટે ગૃહ પ્રવેશ સમારોહમાં પણ હાજરી આપશે. આ પછી તેઓ આજે બપોરે જ અરુણાચલ પ્રદેશ જવા રવાના થશે. તવાંગમાં તેઓ 825 કરોડ રૂપિયામાં બનેલી સેલા ટનલનું ઉદ્ઘાટન કરશે. આ ટનલ અરુણાચલના તવાંગને આસામના તેજપુર સાથે જોડશે. બપોરે 1.30 વાગ્યે, PM જોરહાટના હોલોંગા પાથરમાં પ્રખ્યાત અહોમ યોદ્ધા લાચિત બોરફૂકનની 84 ફૂટ ઊંચી પ્રતિમાનું ઉદ્ઘાટન કરશે. આ માળખું ‘સ્ટેચ્યુ ઓફ વેલોર’ તરીકે ઓળખાશે.