વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12મી માર્ચના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. અમદાવાદના સાબરમતી ગાંધી આશ્રમના રિડેવલોપમેન્ટ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને રેલવેના વિવિધ પ્રોજેક્ટ તેમજ અમદાવાદ-મુંબઈ વંદે ભારત ટ્રેનનું લોકાર્પણ કરવાના છે. સવારે 10: 30 વાગ્યે વડાપ્રધાન સાબરમતી ગાંધી આશ્રમ નજીક આવેલા અભય ઘાટ મેદાન ખાતે વિશાળ જનસભાને પણ સંબોધન કરશે. વડાપ્રધાનના કાર્યક્રમને લઇ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર અને રેલવે વિભાગ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંભવિત કાર્યક્રમ મુજબ 12મી માર્ચના રોજ વડાપ્રધાન સવારે 9 વાગ્યે અમદાવાદ એરપોર્ટ ખાતે આવશે. એરપોર્ટથી સીધા તેઓ સાબરમતી ડી કેબીન પાસે આવેલા રેલવેના કાર્યક્રમમાં હાજરી આપશે. જ્યાં વડાપ્રધાન અમદાવાદ-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન, ભૂજ-દિલ્હી સરાય રોહિલા એક્સપ્રેસ ટ્રેનને લીલીઝંડી આપશે. એક સ્ટેશન એક ઉત્પાદન સ્ટોલ, ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ, ગુડ શેડ અને જન ઔષધી કેન્દ્રનું લોકાર્પણ કરશે.સાબરમતી ડી કેબીન ખાતે રેલવેના કાર્યક્રમમાં હાજરી આપી 10.30 વાગ્યે તેઓ ગાંધી આશ્રમ ખાતે આવશે. જ્યાં ગાંધી આશ્રમની તેઓ મુલાકાત લેશે. સાબરમતી ગાંધી આશ્રમના રૂ.1200 કરોડના રિડેવલોપમેન્ટ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. વડાપ્રધાન અભય ઘાટ ખાતે આવેલા મેદાનમાં વિશાળ જનસભાને સંબોધન કરશે. વિશાળ સભાને સંબોધન કર્યા બાદ વડાપ્રધાન ધોલેરા ખાતેના કાર્યક્રમમાં હાજરી આપવા માટે રવાના થશે.