લોકસભા ચૂંટણીમાં હવે ગણતરીનો સમય બાકી છે. ચૂંટણી પંચ જલ્દી ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે. એવામાં તમામ પાર્ટી ઉમેદવાર પસંદ કરવામાં જોડાયેલી છે. ભાજપે 2 માર્ચે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી જેમાં 195 બેઠક પર ઉમેદવારના નામ ફાઇનલ કરવામાં આવ્યા હતા. બીજી યાદીના ઉમેદવાર ફાઇનલ કરવા માટે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ સોમવારે મહત્ત્વની બેઠક બોલાવી હતી.
દિલ્હી સ્થિતિ ભાજપ હેડક્વાર્ટર પર 4 કલાક ચાલેલી મેરેથોન બેઠકમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ સહિત 8 રાજ્યની 100 બેઠક પર ચર્ચા થઇ હતી. ભાજપ એક કે બે દિવસમાં ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી શકે છે. જોકે, બિહાર, ઓરિસ્સા, તમિલનાડુ અને આંધ્ર પ્રદેશમાં ગઠબંધનની તસવીર સ્પષ્ટ ના થવાને કારણે આ રાજ્યના ઉમેદવારોની યાદીમાં મોડુ થઇ શકે છે. મીટિંગમાં પીએમ નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહિત તમામ સીનિયર નેતા હાજર રહ્યાં હતા.
ગુજરાતની 11 બેઠક પર પણ ચર્ચા કરવામાં આવી હતી જેમાં 7 બેઠક પર સહમતિ બની શકી હતી. મધ્ય પ્રદેશની તમામ બાકી રહેલી 5 બેઠક પર ચર્ચા પુરી થઇ હતી જેમાં 4 બેઠક પર સહમતિ બની શકી હતી. મહારાષ્ટ્રની 25, તેલંગાણાની 8 અને કર્ણાટકની 28 બેઠક પર ચર્ચા થઇ હતી.
ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં બિહારની 17 બેઠક અને તેલંગાણાની 8 બેઠકને લઇને પણ ચર્ચા કરવામાં આવી હતી. હિમાચલ પ્રદેશની 4 બેઠકને લઇને પણ ચર્ચા કરવામાં આવી હતી. કર્ણાટકની 28 બેઠક પર ચર્ચા થઇ હતી જેમાંથી 5-6 બેઠક ગઠબંધન માટે રાખવામાં આવી છે. કર્ણાટકમાં ભાજપની સાથે જેડીએસનું ગઠબંધન થયું છે. બીજી તરફ બિહારમાં તમામ સહયોગી પક્ષોથી ભાજપના અલગ અલગ નેતાઓની વાતચીત ચાલુ છે.