ભારત વિશ્વમાં સૌથી વધુ શસ્ત્રોની આયાત કરતો દેશ બની ગયો છે. છેલ્લા પાંચ વર્ષમાં તેણે વિશ્વમાં સૌથી વધુ શસ્ત્રો ખરીદ્યા છે. સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સોમવારે જારી કરાયેલા રિપોર્ટમાંથી આ માહિતી સામે આવી છે.
રિપોર્ટ અનુસાર, પાંચ વર્ષમાં ભારતની શસ્ત્રોની ખરીદીમાં 4.7%નો વધારો થયો છે.ભારતની સાથે સાથે એશિયામાં જાપાનની શસ્ત્રોની આયાતમાં 155%નો વધારો થયો છે. તેમજ, ચીનની શસ્ત્રોની આયાતમાં 44%નો ઘટાડો થયો છે. પાકિસ્તાન પાંચમા નંબરે સૌથી મોટું હશિયારોની આયાત કરતો દેશ રહ્યો છે.બીજી તરફ, 2014-18ની સરખામણીમાં 2019-23માં યુરોપના શસ્ત્રોની આયાત લગભગ બમણી થઈ ગઈ હતી, જેની પાછળનું મુખ્ય કારણ રશિયા-યુક્રેન યુદ્ધ હોવાનું માનવામાં આવે છે. 2014-18ની સરખામણીમાં 2019-23માં યુરોપિયન દેશો દ્વારા શસ્ત્રોની આયાત 94 ટકા વધુ હતી.
ફેબ્રુઆરી 2022થી ઓછામાં ઓછા 30 દેશો દ્વારા યુક્રેનને લશ્કરી સહાય તરીકે મુખ્ય શસ્ત્રોનો પુરવઠો પૂરો પાડવામાં આવ્યો છે. આને કારણે, યુક્રેન 2019-23માં સૌથી મોટા યુરોપિયન શસ્ત્ર આયાતકાર અને વિશ્વમાં ચોથા સૌથી મોટા આયાતકાર તરીકે ઉભરી આવ્યું છે.
આ દરમિયાન અમેરિકાની નિકાસમાં પણ 17%નો વધારો થયો છે. રશિયાના શસ્ત્રોની નિકાસમાં મોટો ઘટાડો નોંધાયો હતો.શસ્ત્રોની નિકાસમાં પ્રથમ વખત રશિયા ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. 2014-18 અને 2019-23 વચ્ચે રશિયાની શસ્ત્રોની નિકાસમાં 53%નો ઘટાડો થયો છે. જ્યારે 2019માં તેણે 31 દેશોને શસ્ત્રો વેચ્યા હતા, જ્યારે 2023માં માત્ર 12 દેશોએ શસ્ત્રો ખરીદ્યા હતા. 2014-18ની સરખામણીમાં 2019-23ની વચ્ચે ફ્રેન્ચ શસ્ત્રોની નિકાસમાં 47%નો વધારો થયો છે. ભારત ફ્રેન્ચ હથિયારોનો સૌથી મોટો ખરીદનાર હતો, જે કુલ નિકાસમાં લગભગ 30% હિસ્સો ધરાવે છે. રશિયા હાલમાં યુક્રેન સાથે યુદ્ધમાં ફસાયેલ છે અને તેના શસ્ત્રોની નિકાસમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.