હરિયાણામાં નવી સરકાર આજે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ પાસ કરશે. આ માટે વિધાનસભામાં વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. તેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ પહેલા નવા સીએમ નાયબ સૈનીએ ધારાસભ્ય દળની બેઠક બોલાવી છે. જેમાં ભાજપના 41 ધારાસભ્યો સાથે 7 અપક્ષ ધારાસભ્યો પણ ભાગ લેશે. મુખ્યમંત્રી સૈનીએ દાવો કર્યો છે કે તેમની પાસે 48 ધારાસભ્યોનું સમર્થન છે. જેમાં અપક્ષના 7 ધારાસભ્યો સામેલ છે.
અત્યાર સુધી ભાજપ હરિયાણામાં JJP સાથે મળીને સરકાર ચલાવી રહી હતી, પરંતુ લોકસભા સીટોની વહેંચણી પર સમજૂતીના અભાવે મંગળવારે (12 માર્ચ) ભાજપે ગઠબંધન તોડી નાખ્યું અને અપક્ષોની મદદથી નવી સરકાર બનાવી છે. મુખ્યમંત્રી પદના શપથ લીધા પછી, નાયબ સૈનીએ મોડી સાંજે સચિવાલયમાં તેમના પાંચ કેબિનેટ મંત્રીઓ સાથે બેઠક પણ કરી હતી.
ભાજપ અને જનનાયક જનતા પાર્ટી (જેજેપી)નું ગઠબંધન તૂટ્યા બાદ મનોહર લાલે મંગળવારે સવારે 11.50 વાગ્યે રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપ્યું હતું. જે બાદ ચંદીગઢના હરિયાણા નિવાસસ્થાને ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી, જેમાં સૈનીને નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 54 વર્ષના નાયબ સિંહ સૈની રાજભવન પહોંચ્યા અને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો.
આ પછી, સાંજે 5 વાગ્યે હરિયાણાના રાજ્યપાલ બંડારુ દત્તાત્રેયે નાયબ સૈનીને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા હતા. કુરુક્ષેત્રના ભાજપના સાંસદ સૈની હરિયાણાના 11મા મુખ્યમંત્રી બન્યા. શપથ લેતા પહેલા તેમણે મંચ પર પૂર્વ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરના ચરણ સ્પર્શ કર્યા હતા.