હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. મનોહરલાલ ખટ્ટર લોકસભા ચૂંટણી લડે તેવી શક્યતા છે. હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે કહ્યું, “હું આજે જાહેરાત કરું છું કે હું કરનાલ વિધાનસભા સીટના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી રહ્યો છું. હવે આજથી અમારા સીએમ નાયબ સૈની કરનાલ વિધાનસભાની જવાબદારી સંભાળશે…”
12 માર્ચે મનોહરલાલ ખટ્ટરના હરિયાણાના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાના કેટલાક કલાક બાદ જ નાયબ સૈનીએ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. તે બાદ તેમણે રાજ્યપાલને મળીને વિશ્વાસમત રજૂ કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો. નાયબસિંહ સૈનીએ વિધાનસભામાં વિશ્વાસ મત રજૂ કર્યો હતો જે ધ્વનિમતથી પાસ થયો હતો. સાથે જ હરિયાણાની નાયબસિંહ સૈની સરકાર ફ્લોર ટેસ્ટમાં પાસ થઇ ગઇ હતી.
નાયબસિંહ સૈની હરિયાણાના મુખ્યમંત્રી બન્યા છે. નાયબ સિંહ સૈની હરિયાણા ભાજપના અધ્યક્ષ છે અને કુરૂક્ષેત્રના સાંસદ છે.સૈની 2014થી 2019 સુધી ધારાસભ્ય રહ્યા છે. સાથે જ 2014થી 2019 સુધી હરિયાણા સરકારમાં મંત્રી રહી ચુક્યા છે. નાયબ સિંહ ઓબીસીમાં સૈની સમાજમાંથી આવે છે.





