ભાજપે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. બીજી યાદીમાં ગુજરાતની સાત બેઠક સહિત 72 બેઠક માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. ભાજપે પ્રથમ યાદીમાં 195 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા.ભાજપની બીજી યાદીમાં વર્તમાન કેટલાક સાંસદોની ટિકિટ કાપવામાં આવી છે. ગુજરાતમાં પણ 5 નવા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. ભાજપે બે યાદીમાં 21 ટકા સાંસદોની ટિકિટ કાપી છે.
ભાજપ જમીની સ્તર પર મળી રહેલા ફીડબેકના આધાર પર નિર્ણય કરે છે. એક તરફ ભાજપે NDA માટે 400થી વધુ બેઠક જીતવાનું લક્ષ્ય રાખ્યુ છે. બીજી તરફ ભાજપ પણ 370થી વધુ બેઠક જીતવાના પ્રયાસમાં છે. પાર્ટીએ 2019માં 303 બેઠક પોતાના નામે કરી હતી.
2 માર્ચે જાહેર થયેલી ભાજપની 195 નામની પ્રથમ યાદીમાં ભોપાલના સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુર, દિલ્હીના પ્રવેશ વર્મા અને ચર્ચામાં રહેલા રમેશ બિધુડી સહિત 33 સાંસદોની ટિકિટ કાપવામાં આવી હતી. 72 નામોની નવી યાદીમાં ટિકિટ કાપનારા સાંસદોની સંખ્યા 30 પર પહોંચી ગઇ છે. એક રિપોર્ટ અનુસાર ભાજપે અત્યાર સુધી 21 ટકા સિટિંગ MPsને તેમના વિસ્તારમાં ફરી ના ઉતારવાનો નિર્ણય કર્યો છે.
ગુજરાતની 26 લોકસભા બેઠકમાંથી ભાજપે 22 બેઠક પર ઉમેદવારના નામ જાહેર કર્યા છે. કુલ 22 ઉમેદવારમાંથી 10 સાંસદોને ઘેર બેસાડવામાં આવ્યા છે જ્યારે 12 ઉમેદવારોને પુન: ટિકિટ આપવામાં આવી છે.દિલ્હીમાં સાત બેઠક પર ભાજપે માત્ર મનોજ તિવારીને છોડીને તમામ નવા ઉમેદવારોને તક આપી છે. બીજી યાદીમાં કર્ણાટકના 20 નામમાંથી માત્ર 8ને ફરી તક આપવામાં આવી છે. બીજી યાદીમાં હરિયાણાના 6માંથી 3 સાંસદોને ફરી ટિકિટ આપવામાં આવી છે અને બે સાંસદોને બદલવામાં આવ્યા છે. એક વર્તમાન સાંસદના નિધનને કારણે નવા ઉમેદવારને પણ ઉતારવામાં આવ્યો છે.
2019 લોકસભા ચૂંટણીમાં તેલંગાણામાં ચાર બેઠક જીતનારી ભાજપે માત્ર એક જ સાંસદને રિપીટ કર્યા છે. બીજી યાદીમાં મધ્ય પ્રદેશમાં પણ 5 નામ સામેલ છે. જેમાં બે સાંસદોને ફરી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. હિમાચલ પ્રદેશમાં બન્ને સિટિંગ સાંસદોને ફરી ટિકિટ મળી છે. ઉત્તરાખંડમાં બન્ને સાંસદોની ટિકિટ કપાઇ ગઇ છે. મધ્યપ્રદેશમાં ધાર સીટ પરથી છત્તર સિંહ દરબારની જગ્યાએ ભાજપે સાવિત્રી ઠાકુરને ટિકિટ આપી છે. જ્યારે વર્તમાન સાંસદ દલ સિંહ બિસેનની જગ્યાએ ભારતી પારધીને બાલાઘાટ બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. તેલંગાણામાં ભાજપે ગોડમ નાગેશને આદિલાબાદ સીટ (અનામત) પરથી ઉતાર્યા છે. જ્યારે વર્તમાન સાંસદ સોયમ બાબુ રાવની ટિકિટ રદ કરવામાં આવી છે.
ઉત્તરાખંડમાં ભાજપે પૂર્વ મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતના સ્થાને ગઢવાલ બેઠક પરથી રાજ્યસભાના સભ્ય અનિલ બલુનીને મેદાનમાં ઉતાર્યા છે. પાર્ટીએ બે ટર્મ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રમેશ પોખરિયાલ નિશંકની જગ્યાએ પૂર્વ મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતને મેદાનમાં ઉતાર્યા છે. મહારાષ્ટ્રમાં ભાજપે પાંચ લોકસભા બેઠકો પર તેના વર્તમાન સાંસદોની જગ્યાએ નવા ચહેરાઓને ટિકિટ આપી છે. પાર્ટીએ સ્મિતા વાળાને જલગાંવથી પોતાના ઉમેદવાર બનાવ્યા છે. આ બેઠક પર વર્તમાન સાંસદ ઉન્મેષ ભૈયા સાહેબ પાટીલની ટિકિટ રદ કરવામાં આવી છે. ઉત્તર મુંબઈ બેઠક પરથી બે વખત ભાજપના સાંસદ રહી ચૂકેલા ચિન્નૈયા શેટ્ટીની જગ્યાએ કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. અકોલ બેઠક પરથી વર્તમાન સાંસદ સંજય શામરાવ ધોરતેની જગ્યાએ અનૂપ ધોરતેને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. પાર્ટીએ તેના વર્તમાન સાંસદ મનોજ કિશોરભાઈ કોટકના સ્થાને મુંબઈ ઉત્તર પૂર્વ બેઠક પરથી મિહિર કોટેચાને મેદાનમાં ઉતાર્યા છે. પંકજા મુંડેને તેમની બહેન પ્રીતમ ગોપીનાથ રાવ મુંડેના સ્થાને બીડ સીટથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.