અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પ્રાંગણમાં ડો. વૈશાલી જોષીના આત્મહત્યા કેસમાં ઇકોનોમિક ઓફેન્સ વિંગના પી.આઈ બી.કે.ખાચર વિરુદ્ધ આઈપીસીની કલમ 306 મુજબ ગાયકવાડ હવેલી પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ડો.વૈશાલીના વડોદરા ખાતે રહેતા બહેન કિંજલ પંડ્યાએ ફરિયાદ નોંધાવી છે. ખાચર દ્વારા પ્રેમસંબંધ તોડી નાખી માનસિક ત્રાસ આપતા આત્મહત્યા કરી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મહત્ત્વનુ છે કે, બે દિવસ પૂર્વે ગાયકવાડ હવેલી પોલીસે મહીસાગર જઇને પરિવારજનોના નિવેદન નોંધ્યા હતા. સમગ્ર મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાંચ કચેરીમાં આવેલા વસંત રજબ સ્મારક પાસેના બાકડા પર ગત 6 માર્ચે બુધવારે મોડી સાંજે એક યુવતી બેભાન હાલતમાં જોવા મળી હતી. જેથી પોલીસના સ્ટાફે તપાસ કરતા તેની પાસે ઈન્જેક્શન મળી આવતા કઈક શંકાસ્પદ જણાઈ આવ્યું હતું. જેથી તાત્કાલિક 108ના સ્ટાફને જાણ કરીને તપાસ કરવામાં આવતા મહિલા મૃત હોવાનું જાણવા મળ્યું હતું. યુવતી પાસેથી એક ડાયરી અને 1 પાનાની સુસાઈડ નોટ મળી આવી હતી. 1 પાનની સુસાઈડ નોટમાં ઘણી ચોંકાવનારી બાબતો સામે આવી હતી.
સુસાઈડ નોટ પરથી જાણવા મળ્યા મુજબ ડો.વૈશાલી જોશી અને ક્રાઇમ બ્રાન્ચની EOW શાખામાં ફરજ બજાવતા પી.આઈ. બી.કે. ખાચર છેલ્લા ચાર વર્ષથી એકબીજાના પ્રેમમાં હતા, જોકે, ત્યારબાદ પી.આઈ.ખાચરે સંબંધો ઓછા કરી નાખ્યા હતા. યુવતી વૈશાલી જોશી તેમને મળવા ક્રાઇમ બ્રાન્ચની EOW શાખા આવી હતી અને ત્યાં જ આત્મહત્યા કરી લીધી હતી. ડો.વૈશાલી જોશી અને પી.આઈ. બી.કે. ખાચર વચ્ચે થોડા સમયથી અણબનાવ હતો. ત્યારબાદ તે સતત ડિપ્રેશનમાં રહેતી હતી. ડો.વૈશાલીએ પોતાના મોત મામલે પી.આઈ.ખાચરને જવાબદાર ઠેરવ્યા છે. સુસાઈડ નોટમાં તેણે ઈચ્છા વ્યક્ત કરી છે કે તેના અંતિમ સંસ્કાર પી.આઈ.ખાચર કરે.
જો કે આ ઘટના બાદથી પી.આઈ. બી.કે. ખાચર ગાયબ છે. મળતી માહિતી મુજબ પી.આઈ. બી.કે. ખાચર પરણિત છે અને તેમને સંતાન પણ છે. તેઓ 2010ની બેન્ચના પી.આઈ. છે. ક્રાઇમ બ્રાન્ચની EOW શાખા પહેલા તેઓ શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં હતા.