સુપ્રીમ કોર્ટે શુક્રવારે ઈલેક્ટોરલ બોન્ડ સંબંધિત મામલામાં SBIને નોટિસ પાઠવી છે. કોર્ટનું કહેવું છે કે બંધારણીય બેંચના નિર્ણયમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે ઈલેક્ટોરલ બોન્ડની ખરીદીની તારીખ, ખરીદનારનું નામ, શ્રેણી સહિતની સંપૂર્ણ વિગતો આપવામાં આવે. SBIએ ઈલેક્ટોરલ બોન્ડના આલ્ફા ન્યુમેરિક નંબરો જાહેર કર્યા નથી. આ માટે કોર્ટે 18 માર્ચ સુધીમાં જવાબ માંગ્યો છે.
CJI ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રા ચૂંટણી પંચની અરજી પર સુનાવણી કરી રહ્યા હતા. ECIએ કોર્ટને આપેલા તમામ દસ્તાવેજો પરત કરવાની માંગ કરી હતી. આયોગે કહ્યું કે તેણે ગુપ્તતા જાળવવા માટે આ દસ્તાવેજોની કોઈ નકલ પોતાની પાસે રાખી નથી. તેથી, આગળની કાર્યવાહી માટે ઈલેક્ટોરલ બોન્ડ સંબંધિત દસ્તાવેજો આપવા જોઈએ.
ઈલેક્ટોરલ બોન્ડ વિશે માહિતી આપવા સંબંધિત કેસમાં SBIની અરજી પર 11 માર્ચે સુનાવણી થઈ હતી. કોર્ટે SBIને 12 માર્ચ સુધીમાં વિગતો આપવા અને ECIને 15 માર્ચ સુધીમાં તેની વેબસાઇટ પર જાહેર કરવા કહ્યું હતું.