ભારતીય ચૂંટણી પંચે ગુરુવારે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા પાસેથી મળેલા ચૂંટણી બોન્ડ સંબંધિત ડેટા વેબસાઈટ પર જાહેર કરી હતી. જેમાં એ વાત સામે આવી છે કે દેશના 25 રાજકીય પક્ષો ચૂંટણી બોન્ડ દ્વારા ડોનેશન મેળવી રહ્યા છે જેમાં ભાજપ-કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી સહિત ઉત્તર પ્રદેશની મુખ્ય પાર્ટીઓના નામ સામેલ છે.
ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ભારતીય જનતા પાર્ટીને સૌથી વધુ 60.60 અબજ રૂપિયાનું ફંડ મળ્યું છે, બીજા સ્થાને પશ્ચિમ બંગાળની મમતા બેનરજીની પાર્ટી તૃણમૂલ છે જેને 16.09 અબજ રૂપિયાનું ફંડ મળ્યું છે અને ત્રીજા સ્થાને કોંગ્રેસ છે, જેને રૂ. 14.21 અબજનું ફંડ મળ્યું હતું. જો ઉત્તર પ્રદેશના મુખ્ય રાજકીય પક્ષો અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી અને માયાવતીની બહુજન સમાજ પાર્ટીની વાત કરીએ તો ચૂંટણી પંચે આપેલી યાદીમાં સપા સોળમાં સ્થાને છે, સપાને 14 કરોડ રૂપિયાનું ફંડ મળ્યું છે. આ યાદીમાં બહુજન સમાજ પાર્ટીનું નામ નથી. 426 પાનાના રિપોર્ટમાં ક્યાંય પણ બસપાનું નામ નથી. જ્યારે એસપીના નામનો 46 વખત ઉલ્લેખ કરવામાં આવ્યો છે. SBI દ્વારા ECને સબમિટ કરવામાં આવેલા રિપોર્ટમાં, સપાનું નામ આદ્યક્ષ સમાજવાદી પાર્ટી તરીકે નોંધવામાં આવ્યું છે.