લોકસભા ચૂંટણી 2024ની તારીખો આજે શનિવારે 16 માર્ચે જાહેર કરવામાં આવશે. આ પહેલા 15 માર્ચ શુક્રવારના રોજ પીએમ મોદીએ દેશની જનતાને એક પત્ર લખ્યો હતો. પીએમ મોદીએ તેમાં લખ્યું છે કે તમારી અને અમારી એકતા એક દાયકો પૂર્ણ કરવાને આરે છે. 140 કરોડ ભારતીયોનો વિશ્વાસ અને સમર્થન મને પ્રેરણા આપે છે.
મોદીએ લખ્યું- તમારા વિશ્વાસ અને સમર્થનનું પરિણામ છે કે અમે GSTનો અમલ, કલમ 370 હટાવવા, ટ્રિપલ તલાક પર નવો કાયદો, સંસદમાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે નારી શક્તિ વંદન કાયદો, નવી સંસદના ઉદઘાટન જેવા ઘણા ઐતિહાસિક અને મોટા નિર્ણયો લીધા.
મોદીએ વધુમાં લખ્યું, “પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા પાકાં ઘરો, બધા માટે વીજળી, પાણી અને એલપીજી કનેક્શન, આયુષ્માન ભારત દ્વારા મફત મેડિકલ સારવાર, ખેડૂતોને આર્થિક સહાય, માતૃ વંદના યોજના દ્વારા મહિલાઓને સહાય અને અન્ય ઘણા પ્રયાસોની સફળતા માત્ર તમે મારા પર રાખેલા વિશ્વાસના કારણે જ શક્ય બની છે. આપણો દેશ પરંપરા અને આધુનિકતા બંનેને સાથે લઈને આગળ વધી રહ્યો છે. જ્યારે છેલ્લા દાયકામાં નેક્સ્ટ જનરેશન માટે મુળભુત પાયાના મહત્વપુર્ણ નિર્માણ થયા, ત્યારે આપણા રાષ્ટ્રીય અને સાંસ્કૃતિક વારસામાં પણ પરિવર્તન આવ્યું છે. આજે દરેક નાગરિકને ગર્વ છે કે જ્યારે દેશ આગળ વધી રહ્યો છે ત્યારે તે પોતાની સમૃદ્ધ સંસ્કૃતિની ઉજવણી પણ કરી રહ્યો છે.
PMએ વિકસિત ભારત માટે દેશવાસીઓ પાસેથી સૂચનો માગ્યા
પીએમે વધુમાં લખ્યું- તમારા સમર્થનથી જ મને દેશના કલ્યાણ માટે સાહસિક નિર્ણયો લેવા, મહત્વાકાંક્ષી યોજનાઓ બનાવવા અને તેનો યોગ્ય રીતે અમલ કરવાની શક્તિ મળે છે. અમે વિકસિત ભારતના નિર્માણના સંકલ્પને પૂર્ણ કરવાની દિશામાં કામ કરી રહ્યા છીએ. આ માટે મને તમારા વિચારો, સૂચનો અને સમર્થનની જરૂર છે અને રાહ જોઉં છું.