ઉત્તરપ્રદેશ પોલીસ ભરતી પરીક્ષાના પેપર અમદાવાદમાં પ્રિન્ટ થયા હતા. અમદાવાદથી ટ્રાન્સપોર્ટ મારફતે ઉત્તરપ્રદેશ મોકલવામાં આવી રહ્યા હતા એ દરમિયાન ટ્રકમાંથી પેપરનું બોક્ષ ખોલીને ફોટો પાડી વાયરલ કર્યો હતો. UP STFએ ટ્રાન્સપોર્ટ કંપનીના કર્મચારી શિવમ ગિરિ અને રોહિત પાંડેની સાથે અભિષેક શુક્લા નામના આરોપીની પણ ધરપકડ કરી છે.
પોલીસ ભરતી પરીક્ષા મામલે DGP પ્રશાંત કુમારે કહ્યું કે આ પેપર લીક મામલે 178 કેસ નોંધાયા છે, અત્યાર સુધીમાં 396 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પ્રયાગરાજના રહેવાસી અભિષેકકુમાર શુક્લા, શિવમ ગિરી મિર્ઝાપુર અને ભદોહીના રહેવાસી રોહિતકુમાર પાંડેની ધરપકડ કરવામાં આવી હતી. અભિષેકકુમાર શુક્લા, રોહિત પાંડે અને શિવમ ગિરી TCI એક્સપ્રેસ કંપનીના ભૂતપૂર્વ કર્મચારી છે. બે માસ્ટરમાઇન્ડ આરોપી રવિ અત્રી અને રાજીવ નયન મિશ્રા હજુ પણ ફરાર છે અને તેની શોધખોળ ચાલી રહી છે.
અભિષેક શુક્લા અને રવિ અત્રી બંને એક સાથે દિલ્હીથી અમદાવાદ પહોંચ્યા હતા. અમદાવાદમાં શિવમ ગિરીએ ટ્રન્ક બોક્સનો ફોટો લઈને અભિષેક શુક્લાને મોકલ્યો હતો અને તેણે રવિ અત્રીને મોકલ્યો હતો. અભિષેક શુક્લાએ રાજીવ નયન મિશ્રા સાથે વાત કર્યા બાદ તેમને યુપી પોલીસ ભરતી પરીક્ષાના પેપરનો ફોટો લેવા કહ્યું હતું. શુભમ મંડલ વ્યવસાયે ડૉક્ટર છે જે હાલમાં STFની કસ્ટડીમાં છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. પેપર લીક કરાવવાના નામે 5 લાખ રૂપિયા આપવાની વાત કરવામાં આવી હતી, પેપરલીક કરવા માટે 15 થી 20 લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા. રાજીવ નયન મિશ્રા અને રવિ અત્રી પોલીસ ભરતી પરીક્ષા અને આરઓ અને એઆરઓ પેપરલીક કરવાના મુખ્ય આરોપી છે.