લોકસભા 2024ની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યાં છે. ત્યારે રાજ્યમાં ખૂબ જ ચર્ચાસ્પદ ભરૂચ બેઠક પર ભાજપે 7મીવાર સાંસદ મનસુખ વસાવાને મેદાનમાં ઊતર્યા છે. તેમની સામે ‘આપ’ના ધારાસભ્ય ચૈતર વસાવાને I.N.D.I.A ગઠબંધનમાંથી ઉતાર્યા છે. ત્યારે ચૂંટણીપ્રચાર દરમીયાન મનસુખ વસાવાએ જાહેરમાં એવું નિવેદન આપ્યું કે, ચૈતર સાથે રોહિંગ્યા લોકો ફરે છે, ધ્યાન રાખજો.
આ નિવેદને ભરૂચ અને નર્મદા જિલ્લામાં ભારે ચર્ચા જગાવી છે. તો ચૈતર વસાવાની ડેડિયાપાડા વિધાનસભા બેઠક પર જીત પર કહ્યું કે, તેને મહેશ વસાવાની પીઠમાં ખંજર ભોંકીને ચૂંટણી જીતી છે. તો મનસુખ વસાવાના આક્ષેપોનો જવાબ આપતા ચૈતર વસાવાએ કહ્યું કે, મારી સાથે પ્રચારમાં ભરૂચ કોંગ્રેસના મુસ્લિમ આગેવાનો ફરે છે એટલે એમને ટાંકીને જ તેમણે આવું નિવેદન કર્યું છે. મનસુખભાઈ પુરાવા આપે આમાંથી રોહિંગ્યા કોણ છે. તેઓને રોહિંગ્યા કહી મનસુખ વસાવાએ મુસ્લિમ સમાજનું અપમાન કર્યું છે. ભાજપ સાંસદ મનસુખ વસાવાએ ચૂંટણી પ્રચાર દરમિયાન નિવેદન આપ્યું હતું કે, આપણી સરહદો પહેલાં સુરક્ષિત નહોતી. પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ચીનની બોર્ડર પરથી ઘૂસણખોરો ઘૂસી જતા હતા. ચૈતર વસાવા સાથે પશ્વિમ બંગાળમાંથી આવતા રોહિંગ્યા ફરે છે, મારી પાસે ફોટા પણ છે એટલે બધા ચેતજો. રોહિંગ્યા લોકો પશ્વિમ બંગાળમાંથી દિલ્હી, પંજાબ થઈ ગુજરાતના ભરૂચ, વાલિયા, ઝઘડિયા, જંબુસર અને ડેડિયાપાડામાં ફરી રહ્યાં છે, એટલે બધા સાવધાન રેહજો.






