કેન્દ્ર સરકારે એક મહત્વના વિધાનમાં જાહેર કર્યુ છે કે મ્યાનમારમાંથી ભારતમાં ઘુસેલા રોહિંગ્યા શરણાર્થીઓને ભારતમાં કાયમી રીતે રહેવાની મંજુરી અપાશે નહી. જો કે સરકારે અન્ય રજુઆતમાં સીએએ વિવાદમાં આકરુ વલણ અપનાવતા કહ્યું કે, ભારતમાં જેઓ શરણાર્થી તરીકે દાખલ થયા છે તે અંગેની સરકારની પોલીસી, નીતિ અને સંસદના જે ધારાકીય અધિકારો છે તેમાં સુપ્રીમ કોર્ટે કોઈ દરમ્યાનગીરી કરી શકે નહી.
અગાઉના સર્વોચ્ચ અદાલતના જ અનેક ચુકાદાઓને ટાંકીને સરકારે સર્વોચ્ચ અદાલતમાં રજુઆત કરતા જણાવ્યું કે, બંધારણની કલમ 21 મુજબ વિદેશીઓને ભારતમાં જીવન અને સ્વતંત્રતાનો અધિકાર અપાયો છે. પરંતુ તમામને આ દેશમાં રહેવાનો કે સેટલ થવાનો અધિકાર અપાયો નથી. આ પ્રકારના હકક ફકત ભારતીયને જ છે અને ભારતે સંયુક્ત રાષ્ટ્રસંઘના શરણાર્થી અંગેના કરારને સ્વીકાર્યા નથી. જેથી રોહિંગ્યાને આ કરાર હેઠળ ભારતમાં રહેવાનો હકક માંગી શકે નહી. સરકારે દેશમાં ઘુસેલા રોહિંગ્યા શરણાર્થીઓને કેમ્પમાં રાખ્યા છે. તેઓને મુક્ત કરવાની અરજી પર વિરોધ કરતા સરકારે આ વલણ અપનાવ્યું હતું.