વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ભૂટાન પ્રવાસે જવાના હતા. જોકે, એરપોર્ટ પર ખરાબ હવામાનને કારણે આ પ્રવાસને રદ કરવામાં આવ્યો છે. વડાપ્રધાન 21 માર્ચે ભૂટાન જવાના હતા. વિદેશ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું કે એરપોર્ટ પર ખરાબ હવામાનને કારણે 21-22 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ભૂટાનનો રાજકીય પ્રવાસ સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ભારત સરકારની પાડોશી પ્રથમ નીતિ હેઠળ પીએમ મોદી 21-22 માર્ચે ભૂટાન જવાના હતા. ભારત અને ભૂટાન મોદીની બે દિવસીય રાજકીય પ્રવાસ માટે નવી તારીખોને અંતિમ રૂપ આપવા પર કામ કરી રહ્યાં છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું, “પારો એરપોર્ટ પર ખરાબ હવામાનને કારણે 21-22 માર્ચે વડાપ્રધાન મોદીનો ભૂટાનનો રાજકીય પ્રવાસ સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.”
પૂર્વ ભારતના કેટલાક ભાગમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ (IMD)એ બિહાર, ઝારખંડ, ઉત્તર પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ વચ્ચે હવામાન વિભાગે આગામી બે દિવસમાં ઉત્તર પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તર વિસ્તારના કેટલાક ભાગમાં વરસાદ થવાનું અનુમાન વ્યક્ત કર્યું છે.