ઈન્ડિયન પ્રીમિયર લીગ-2024ના બીજા તબક્કાનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. લોકસભાની તારીખોની જાહેરાત બાદ બોર્ડે બાકીની મેચનું શેડ્યૂલ જાહેર કર્યું છે. BCCIએ સોમવારે જાહેર કરાયેલા શેડ્યૂલ મુજબ, લીગની વર્તમાન સિઝનનો બીજો તબક્કો 8 એપ્રિલે ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચથી શરૂ થશે. આ મેચ ચેન્નઈના હોમ ગ્રાઉન્ડ ચેપોક મેદાન પર રમાશે. આ વખતે સિઝનની ક્વોલિફાયર-1 અને એલિમિનેટર અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. તો આ સિઝનની ફાઈનલ 26 મેના રોજ ચેન્નઈમાં રમાશે. IPL આયોજક સમિતિએ 22 ફેબ્રુઆરીએ પ્રથમ બે અઠવાડિયા માટે 21 મેચનું શેડ્યૂલ જાહેર કર્યું હતું. ત્યારે લોકસભાની ચૂંટણીને કારણે બાકીની મેચનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું ન હતું. IPLની છેલ્લી સિઝનનો ખિતાબ ચેન્નઈ સુપર કિંગ્સે મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપમાં જીત્યો હતો. અમદાવાદમાં રમાયેલી ફાઈનલ મેચમાં ટીમે ગુજરાત ટાઇટન્સને 5 વિકેટે હરાવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં CSK અને MIએ 5-5 ટાઇટલ જીત્યા છે.