એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાજપના નેતા જવાહર ચાવડા ફરી કૉંગ્રેસનો હાથ પકડી શકે છે. માણાવદરના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડાની ચૂંટણી કેમ્પેઈનમાં ગેરહાજરી ચર્ચાનો વિષય બન્યો છે. જવાહર ચાવડા પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણીના પક્ષપ્રવેશ વખતે પણ ગેરહાજર હોવાથી તર્કવિતર્ક શરૂ થયા છે. સાથે જ ચર્ચા તો એવી પણ છે કે જવાહર ચાવડાને ફરી કોંગ્રેસમાં લાવવા નેતાઓનું એક જૂથ સક્રિય થયું છે.
જવાહર ચાવડા માણાવદરથી 2017માં ચૂંટાયા પછી 2019માં રાજીનામુ આપીને ભાજપમાં જોડાયા હતા. બાદમાં 2019માં પેટાચૂંટણી ભાજપમાંથી જીત્યા અને 2022માં કોંગ્રેસના અરવિંદ લાડાણી સામે હાર્યા હતા. હવે લોકસભા ચૂંટણી પહેલા ધારાસભ્ય પદેથી રાજીનામુ આપીને અરવિંદ લાડાણી પણ ભાજપમાં જોડાયા છે. ત્યારે પોરબંદરના માણાવદરની પેટાચૂંટણી પણ લાડાણી જ લડશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. ભાજપના નેતા અને જૂના કોંગ્રેસી જવાહર ચાવડા ભાજપની રીતિ નીતિથી દુખી છે, તેવું તેમના અંગત વર્તુળમાં ચર્ચાય રહ્યું છે. આ નારાજગી ત્યારે ઉડીને આંખે વળગી, જ્યારે માણાવદરના ભૂતપૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણી તાજેતરમાં ભાજપમાં જોડાયા અને ચાવડાની ચૂંટણી કેમ્પેઈનમાં ગેરહાજરી દેખાઈ. સાથે જ એવું પણ જાણવા મળ્યું હતું કે આ વિશે વાત કરતાં એમને અંગતમાં ચર્ચા કરી હતી કે હવે આંખે પટ્ટા નથી બાંધવા, ભાજપ આખી ઘટનાને હળવાશથી લઇ રહ્યું છે. પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડાની કોંગ્રેસમાં વાપસીની ચર્ચાએ જોર પકડ્યું ત્યારે જવાહર ચાવડાએ સોશિયલ મીડિયામાં સ્પષ્ટતા કરી છે કે હું ભાજપમાં છું અને રહેવાનો છું, મારા વિશે ચાલતી વાતો ખોટી છે.