બલ્ગેરિયન યુવતી દુષ્કર્મ કેસમાં પોલીસે તપાસ પૂર્ણ કરીને આ કેસમાં જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ પૂરતા પુરાવા ઉપલબ્ધ ના હોવાની થિયરી સાથે A સમરી ફાઈલ કરી હતી. જો કે, ત્યારબાદ યુવતી મીડિયા સમક્ષ ઉપસ્થિત થઈ હતી. જેને પોલીસ ઉપર યોગ્ય રીતે તપાસ ના કરવાનો અને તેને આપેલા સાક્ષીઓને નહીં તપાસવાનો આક્ષેપ કર્યો હતો. સાથે જ સાક્ષીઓના નામ કેડિલા પાસે પહોંચી જતાં હોવાનું જણાવ્યું હતું.
પોલીસે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ફાઈલ કરેલી આશરે 1800 પેજની સમરીની સર્ટિફાઇડ કોપી યુવતી દ્વારા માંગવામાં આવી હતી. જે તેને 23 માર્ચે મળી હતી. આ સમરીના અભ્યાસ બાદ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં તેનો વિરોધ પીડિત પક્ષે કર્યો હતો. પીડિત પક્ષ દ્વારા પોલીસ તપાસમાં જે ખામીઓ રહી ગઈ છે. તેને અમદાવાદ ગ્રામ્ય કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. જેના આધારે પીડિત પક્ષે આ કેસને હાઇકોર્ટને રીફર કરવા માટે ગ્રામ્ય કોર્ટ સમક્ષ માગ કરી છે. જેથી કરીને પીડિત પક્ષ CBI તપાસની માગ કરી શકે. બલ્ગેરિયન યુવતીના વકીલે સમરીમાં કાઢેલી ખામીઓને લઈને પોલીસને જવાબ રજૂ કરવા નોટિસ પણ પાઠવી છે. આ મુદ્દે વધુ સુનાવણી 6 એપ્રિલના રોજ હાથ ધરાશે.