અમદાવાદમાં પિતા પુત્રીના સંબંધોને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. રામોલમાં નશાની હાલતમાં પિતાએ પોતાની સગી દીકરી સાથે અડપલા કરી આબરૂ લેવાની કોશિષ કરી છે, જોકે 11 વર્ષની સગીરાએ પ્રતિકાર કરતા પિતા ઘરમાંથી જતો રહ્યો અને આ અંગે પરિવારના અન્ય સભ્યોને જાણ થતાં પોલીસ મથકે દીકરી સાથે છેડતી કરનાર નરાધમ પિતાની ધરપકડ કરી છે.
રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ આરોપી બે દીકરીઓ અને બે બહેન-બનેવી સાથે રહે છે. આરોપીની પત્નીનું 11 વર્ષ પહેલાં અવસાન થયું હતું. તેને સંતાનમાં બે દીકરીઓ છે જેમાં મોટી દીકરી હાલ ધોરણ-10માં અભ્યાસ કરે છે જ્યારે નાની દીકરી 11 વર્ષની હોય જે ધોરણ-6માં અભ્યાસ કરે છે. બે દિવસ પહેલા આરોપીના બહેન બનેવી બંને મજૂરી કામે ગયા હતા અને મોટી દીકરી અને ભત્રીજો અન્ય પરિજનના ઘરે વેકેશન કરવા ગત હતા અને અન્ય એક બહેન સવારે મજૂરી માટે ગઈ હતી ત્યારે નશાની હાલતમાં ઘરે આવ્યો હતો. જે સમયે ઘરમાં નાની દીકરી હાજર હોય આરોપીએ તેની સાથે અડપલાં કરી કુકર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો.
સગીર દીકરીએ બુમાબુમ કરતા આરોપી ઘરમાંથી બહાર જતો રહ્યો હતો, જોકે બાદમાં સગીરાના ફોઈ ઘરે આવતા તેણે આ ઘટનાની જાણ કરી હતી, જે બાદ ઘરના અન્ય સભ્યોને જાણ થતાં અંતે આ મામલે સગીરાના ફોઈએ ભાઈ વિરુદ્ધ છેડતી અંગેની ફરિયાદ રામોલ પોલીસ મથકે નોંધાવી હતી.