સમગ્ર વિશ્વમાં સૌથી વધુ આર્થિક વૃધ્ધિદર ધરાવતા ભારતનો અર્થતંત્રમાં ડંકો વાગી જ રહ્યો છે અને તેના પર વિદેશીઓ પણ આફરીન હોય તેમ વિદેશી રોકાણમાં જંગી વધારો થવા લાગ્યો છે. માર્ચ મહિનામાં સમગ્ર એશીયામાં સૌથી વધુ વિદેશી રોકાણ ભારતે મેળવ્યું છે.
દક્ષિણ કોરીયા, તાઇવાન, ઇન્ડોનેશીયા જેવા દેશો પણ ભારતથી પાછળ રહ્યા છે. જયારે જાપાન, મલેશીયા, ફિલિપાઇન્સ, થાઇલેન્ડ, વિયેટનામ અને શ્રીલંકા જેવા દેશોમાંથી વિદેશી રોકાણ પાછું ખેંચાયું છે.
માર્ચ મહિનામાં ભારતમાં 3.63 અબજ ડોલરનું વિદેશી રોકાણ ઠલવાયું હતું જે છેલ્લા ચાર વર્ષનું સૌથી વધુ છે. આ ઉપરાંત ભારતીય નાણા સંસ્થાઓને પણ 52467 કરોડનું રોકાણ કર્યુ હતું.
ભૌગોલિક ટેન્શન અને ઉંચા વ્યાજદરના દર વચ્ચે પણ ભારત પ્રત્યેનો વિદેશી ઇન્વેસ્ટરોનો લગાવ વધતો રહ્યો હતો. વિદેશી સંસ્થાઓએ ડિસેમ્બર-2023 પછીનો સૌથી મોટુ રોકાણ કર્યુ હતું. ભારત સિવાય વિદેશી નાણા સંસ્થાઓએ દક્ષિણ કોરીયા, તાઇવાન તથા ઇન્ડોનેશીયામાં પણ રોકાણ કર્યુ હતું. દક્ષિણ કોરીયામાં 2.91 અબજ ડોલર, તાઇવાનમાં 1.14 અબજ ડોલર તથા ઇન્ડોનેશીયામાં 5.85 અબજ ડોલર ઠાલવ્યા હતા.