આગામી 2 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલા જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી સાથે યલો અલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાતવાસીઓને ગરમીમાં શેકાવુ પડશે. હજુ તો માર્ચ મહિનામાં જ આ સ્થિતિ છે તો આગામી એપ્રિલ અને મે મહિનામાં ગુજરાતવાસીઓ ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠશે.
ગુજરાતભરમાં હાલ ભુક્કા બોલાવી દે તેવી ગરમીની શરૂઆત થઈ ચૂકી છે. જ્યારે છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના મોટાભાગના જિલ્લાનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીની નજીક રહ્યું હતું. કેટલાક જિલ્લાઓમાં તો 40 ડિગ્રીથી વધુ મહત્તમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદ શહેરમાં પણ બફારા સાથે ગરમીનો પારો 40 ડિગ્રીની આસપાસ રહ્યો હતો.
હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસને લઈને આગાહી કરવામાં આવી છે કે, આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યભરમાં સૂકુ વાતાવરણ રહેશે. સાથે જ ગરમ પવનો ફૂંકાવાને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ ભેજયુક્ત વાતાવરણ રહેશે. જેને કારણે ડિસ્કમ્ફર્ટ એટલે કે બફારાની સ્થિતિ રહેશે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી ત્રણ દિવસ દરમિયાન હીટવેવની શક્યતા છે.