ઉત્તરપ્રદેશની બાંદા જેલમાં કેદ મુખ્તાર અંસારીનું ગુરુવારે રાત્રે હાર્ટએટેકથી મોત થયું હતું. ઉલ્ટીની ફરિયાદ અને બેભાન હાલતમાં મુખ્તારને જેલમાંથી રાત્રે 8.25 કલાકે રાણી દુર્ગાવતી મેડિકલ કોલેજમાં લઈ જવામાં આવ્યો હતો. 9 ડૉક્ટરોએ તેની સારવાર કરી, પરંતુ તેને બચાવી શકાયો નહીં.
આજે 3 ડોક્ટરોની પેનલ સહિત 5 લોકોની ટીમ મુખ્તારના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરી રહી છે. તેનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે. આ પછી મુખ્તારને રોડ માર્ગે તેના પૈતૃક ઘર ગાઝીપુર લાવવામાં આવશે. અહીં કાલી બાગ કબ્રસ્તાનમાંસુપુર્દ-એ-ખાક કરવામાં આવશે. અહીં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. બીજી તરફ સમગ્ર રાજ્યમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. તે જ સમયે, મઉ અને ગાઝીપુરમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. આ ઉપરાંત બાંદામાં પણ ખાસ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ તહેનાત કરવામાં આવ્યા છે. ડીજીપી હેડક્વાર્ટરે પણ સતર્ક રહેવા સૂચના આપી છે.
આ પહેલા મંગળવારે મુખ્તારની તબિયત બગડી હતી. તેમને 14 કલાક હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ રજા આપવામાં આવી હતી. થોડા દિવસો પહેલા મુખ્તારના ભાઈ અફઝલે દાવો કર્યો હતો કે તેને સ્લો પોઈઝન આપીને મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જ્યારે મુખ્તારના પુત્ર ઉમરે પણ દાવો કર્યો હતો કે મુખ્તારને 19 માર્ચે ડિનરમાં ઝેર આપવામાં આવ્યું હતું. મુખ્તાર અંસારી 2005થી સજા કાપી રહ્યો હતો. તેને અલગ-અલગ કેસમાં બે વખત આજીવન કેદની સજા થઈ હતી.