કેડીલા ફાર્માના CMD રાજીવ મોદી સામે બલ્ગેરિયન યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જેની સામે તપાસ કરીને પોલીસે અઢી મહિના જેટલા સમયગાળામાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં A-સમરી ફાઇલ કરી છે. આ સમરી કુલ 1800 જેટલા પેજની છે. આ સમરીમાં 75થી વધુ સાહેદોના નિવેદન લેવામાં આવ્યા છે. આ સાહેદો ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, કેરળ, બિહાર, તમિલનાડુ, દિલ્હી મહારાષ્ટ્ર વગેરે જગ્યાએથી છે. ઉપરાંત UKના સાહેદોના પણ ઓનલાઇન નિવેદન લેવામાં આવ્યા છે. ઉપરાંત સમરીમાં પોલીસ ફરિયાદની નકલ, જુદા-જુદા દસ્તાવેજી પૂરાવાઓ, સાહેદોના ઓળખ પત્રો વગેરેનો સમરીમાં સમાવેશ થાય છે. સમરી મુજબ યુવતીની ફરિયાદ સાચી હોવાના કોઈ પુરાવા નથી. આ સાહેદો પૈકી એક પણ સાહેદે બલ્ગેરિયન યુવતીના આક્ષેપનું સમર્થન કર્યું નથી.
ફરિયાદી યુવતીએ પોલીસ દ્વારા ફાઈલ કરાયેલી સમરીને જુદા-જુદા 15 જેટલા મુદ્દાઓ સાથે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ પડકારી છે. સાથે જ આ કેસમાં CBI તપાસની માગ માટે કેસને હાઈકોર્ટમાં રિફર કરવા માગ કરી છે. આગામી અઠવાડિયામાં યુવતી CBI તપાસ માટે હાઈકોર્ટ આવે તેવી શક્યતા છે. તો યુવતીએ UNની કોર્ટમાં કરેલી ફરિયાદ મુજબ UNની કોર્ટે બલ્ગેરિયન સરકારને કાર્યવાહી કરવા રિફર કર્યું છે.