સુરતમાં વધુ એક ડુપ્લિકેટ માર્કશીટનું કૌભાંડ ઝડપાયું છે.આ કૌભાંડમાં આરોપીઓ એક નકલી માર્કશીટ બનાવવા દીઠ 1.30 લાખ જેટલી રકમ વસૂલતા હતા. એટલું જ નહીં આરોપીઓ ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડની ડુપ્લિકેટ માર્કશીટ બનાવી આપતા હતા.
સુરતના સિંગણપુર વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યું આંતરરાષ્ટ્રીય બોગસ ડિગ્રી અને માર્કશીટ કૌભાંડની તપાસ પૂરી થઈ નથી. ત્યાં તો સુરતના ઉત્રાણ પોલીસે વધુ એક ડુપ્લિકેટ માર્કશીટ બનાવી આપવાના રેકેટનો પર્દાફાશ કર્યો છે. ઉત્રાણ વિસ્તારમાંથી પોલીસે ગ્રીન પ્લાઝામાં આવેલી ટુરિઝમ અને વિઝા કન્સલ્ટન્સીની ઓફિસમાં તેમજ સરથાણા જકાતનાકા રોયલ આર્કેટમાં દરોડા પાડવામાં આવ્યા હતા.
ઉત્રાણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પોલીસને બાતમી મળી હતી કે, મોટા વરાછા અને સરથાણા વિસ્તારમાંથી રૂપિયા આપી નકલી ધોરણ 10 અને 12ની માર્કશીટ બનાવી આપવામાં આવી રહી છે. ત્યારે પોલીસે બાતમીને આધારે ઉત્રાણ ડી-માર્ટ રોડ ગ્રીન પ્લાઝામાં આવેલા તેજાણી ટુરિઝમ અને આઇટ્રસ્ટ કન્સલ્ટન્સી વિઝાની ઓફિસ પર દરોડા પાડ્યા હતા. આની સાથે સરથાણા જકાતનાકાના રોયલ આર્કેડની ઓફિસમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસને અહીં રેડ દરમિયાન ઢગલાબંધ નકલી માર્કશીટો મળી આવી હતી.
પોલીસે આ સમગ્ર કૌભાંડમાં કુલ છ આરોપી સામે ગુનો નોંધ્યો છે. પોલીસે આરોપી નિલકંઠ નરશી દેવાણી, વિશાલ મહેશ તેજાણી, સંજય કનુ ગેલાણી, બોની વિનોદ તાલા, વૈભવ અશ્વીન તાલા, ધ્રવીન મગન કોઠીયા સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, તમામ આરોપીઓ એકબીજાની મદદથી ધો-10 અને 12ની ડુપ્લિકેટ માર્કશીટ તેમજ ડિગ્રી સર્ટિફિકેટો બનાવી આપતા હતા. પોલીસે આ સમગ્ર કૌભાંડમાં છમાંથી ત્રણ આરોપીની ધરપકડ કરી છે. પોલીસે ધ્રુવીન મગન કોઠીયા, વિશાલ તેજાણી અને સંજય ગેલાણીની ધરપકડ કરી છે. જ્યારે આ સમગ્ર કૌભાંડના મુખ્ય બે આરોપી નીલકંઠ કેનેડામાં જ્યારે બોની તાલા યુકે છે. જ્યારે બોનીનો ભાઇ વૈભવ તાલા પણ સુરતમાં નથી. પોલીસે આ ત્રણેય આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે. જ્યારે પકડાયેલા ત્રણેય આરોપીઓને ધરપકડ બાદ આજે કોર્ટમાં રજૂ કર્યા હતા અને આગામી છ દિવસ સુધીના રિમાન્ડ પોલીસે મેળવ્યા છે.
આ સમગ્ર રેકેટ નીલકંઠ અને વિશાલ તેજાણી તેમની ઉત્રાણ ડી-માર્ટ રોડ ગ્રીન પ્લાઝામાં તેજાણી ટુરિઝમની અને આઇટ્રસ્ટ કન્સલ્ટન્સી વિઝાના કામકાજની ઓફિસની આડમાં ચલાવતા હતા. તેઓ વિઝાની ઓફિસમાં નકલી માર્કશીટ બનાવવાનું ગેરકાયદેસર કામ કરતા હતા. તેઓ લોકો પાસેથી નકલી માર્કશીટ બનાવી આપવાના બદલામાં રૂપિયા 1.30 લાખ રૂપિયા પડાવતા હતા.
પોલીસે જણાવ્યું હતું કે, આ સમગ્ર કૌભાંડમાં પોલીસે સૌથી પહેલાં ધ્રવીન કોઠિયાને ઝડપી પાડ્યો હતો. પોલીસે મોટા વરાછા મંત્રચોક પાસેથી ડુપ્લિકેટ માર્કશીટ સાથે ઝડપી પાડ્યો હતો. જેની પૂછપરછમાં સમગ્ર ડુપ્લિકેટ માર્કશીટ કૌભાંડ બહાર આવ્યું હતું. પોલીસની પૂછપરછમાં ધ્રવીન કોઠિયાએ કબુલાત કરી હતી કે, તેણે કેનેડા અભ્યાસ કરવા જવા માટે નીલકંઠ દેવાણી પાસે ફાઈલ મૂકી હતી, પરંતુ કોઈ કારણોસર ફાઈલ મંજૂર થઈ નહોતી. તે વખતે નીલકંઠે તેને ધોરણ 10-12 પાસની માર્કશીટ તેમજ યુનિવર્સિટી ડિગ્રી સર્ટીની જરૂરીયાત હોય તેવા કલાયન્ટ શોધી આપવા વાત કરી હતી. ત્યારથી ધ્રુવીન નવા-નવા ક્લાઈન્ટનો સંપર્ક નીલંકઠ સાથે કરાવતો હતો. તેના બદલામાં ક્લાઈન્ટ દીઠ રૂપિયા 15થી 20 હજાર કમિશન આપવામાં આવતું હતું. જેમાં આ ડુપ્લિકેટ માર્કશીટ પકડાયેલા આરોપી સંજય ગેલાણી બનાવી આપતો હતો.