પીપોદરાની યાર્ન કંપનીમાં ડીજીવીસીએલે મધરાતે દરોડો પાડ્યો હતો. કંપની રિમોટથી મીટરને કંટ્રોલ કરીને વીજ વપરાશ ઘટાડતી હતી, જેથી 7.23 કરોડનો દંડ ફટકારાયો છે. એક જ મીટરમાં આટલો મોટો દંડ પહેલી ઘટના છે.ડીજીવીસીએલની વિજિલન્સ, પોલીસ સહિતની ટીમે બાતમીના આધારે યોગેશ્વર એસ્ટેટમાં મધરાતે 2 વાગ્યે ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં શ્રીરામ ટેક્સોલેન કંપનીના 3 દરવાજાને અંદરથી તાળું મારેલું હતું.
ટીમે દરવાજો કૂદીને અંદર જઈ ચેક કરતાં ટેબલ પરથી રિમોટ મળી આવ્યું હતું. જેનો ઉપયોગ મીટરના એમ્પિયરના કંટ્રોલ માટે થતો હતો. ટીમે કેસ નોંધી દંડ પેટે 6.75 કરોડ તેમજ કંમ્પાઉન્ડિંગના 48 લાખ મળી 7.23 કરોડનું બિલ પકડાવી દીધું હતું. આવી તોતિંગ વીજ ચોરી જોઈને અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.
કંપનીના માલિકે મીટરમાં એક્સપર્ટ પાસે સર્કિટ લગાવી રિમોટથી મીટરનું કંટ્રોલ કરતા હતા. રિમોર્ટથી વીજ મીટરમાં એમ્પિયર વધારી કે ઘટાડી શકાતો હતો. ફેક્ટરીમાં જ્યારે વધારે વીજળીનો ઉપયોગ થવાનો હોય ત્યારે રિમોર્ટથી મીટરમાં એમ્પિયર ઘટાડી દેવામાં આવતા હતા.