દેશની વિવિધ યુનિવર્સિટી અને બોર્ડની નકલી માર્કશીટ-ડિગ્રી બનાવવાના આંતરરાષ્ટ્રીય કૌભાંડમાં ઉત્રાણ પોલીસે ગુનો નોંધી અગાઉ 3 આરોપી ધ્રુવિન કાેઠિયા, વિશાલ તેજાણી અને સંજય ગેલાણીની ધરપકડ કરી હતી. હવે પોલીસે બિહારના કટિહાર ખાતે આવેલા ગુરુકુળ શિક્ષા મંદિર સંસ્થાનના ડાયરેકટર કમ સેક્રેટરી રાજેન્દ્ર રોહિત ઠાકુરની બુધવારે ધરપકડ કરી હતી.
આરોપી રાજેન્દ્રે વર્ષ 2011માં આ સંસ્થા શરૂ કરી હતી. અત્યાર સુધી આરોપી 80 જેટલી નકલી ડિગ્રી-માર્કશીટ બનાવી હોવાનું સામે આવ્યું છે. ટિહારમાં રાજેન્દ્ર મોટું માથું હોવાથી તેની સામે લોકલ પોલીસ પણ કાર્યવાહી કરવામાં ગલ્લાતલ્લા કરતી હતી. શરૂઆતમાં ઉત્રાણ પોલીસ ફકત આરોપીનો મોબાઇલ કબજે કરી શકી હતી. જેમાં સુરતના ઉચ્ચ પોલીસ અધિકારીએ બિહાર પોલીસ સાથે ટેલિફોનીક સંકલન કરતાં રાજેન્દ્રનો કબજો મેળવી શકાયો હતો.
આરોપીના રાજેન્દ્રના મોબાઇલમાંથી નકલી ડિગ્રી-માર્કશીટની પીડીએફ તેમજ દેશભરના એજન્ટોના નંબરો પણ મળી આવ્યા હતા. ઝડપાયેલા સંજય ગેલાણીએે રાજેન્દ્ર પાસેથી 80 નકલી ડિગ્રી અને માર્કશીટ બનાવી હતી. સંજય ‘કલીક ઈન્ડિયા’ વેબસાઇટ થકી રાજેન્દ્રના સંપર્કમાં આવ્યો હતો. શાંઘાઇ ઇન્ટરનેશનલ યુનિવર્સિટીની પણ ડિગ્રી બનાવી હતી.
ગુરુકુળ શિક્ષા મંદિર સંસ્થાન વેબસાઇટ બનાવી
આરોપી રાજેન્દ્ર ઠાકુરે ગુરુકુળ શિક્ષા મંદિર સંસ્થાન વેબસાઇટ બનાવી છે. આ વેબસાઇટમાં દેશની અલગ અલગ રાજ્યોની 32 યુનિવર્સિટી અને ધોરણ 10 અને ધોરણ 12ની અલગ અલગ 12 બોર્ડની માહિતી દર્શાવી છે. જેમાં ફી સહિતની તમામ વિગતો ઉપલબ્ધ કરાવી છે.