ક્લાઈમેટ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકે લેહમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) સાથેના વિસ્તારોમાં પશ્મિના માર્ચ કાઢવાની જાહેરાત કરી છે. 7 એપ્રિલે કાઢવામાં આવનાર પશ્મિના માર્ચમાં હજારો લોકો ભાગ લે તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને લદ્દાખ પ્રશાસને લેહમાં કલમ 144 લાગુ કરી છે. આ ઉપરાંત ઈન્ટરનેટ પ્રતિબંધનો આદેશ પણ જારી કરવામાં આવ્યો છે.
આદેશ મુજબ ઈન્ટરનેટ સેવા ઘટાડીને 2G કરવામાં આવશે. આ આદેશ શનિવારે સાંજે 6 વાગ્યાથી રવિવારે સાંજે 6 વાગ્યા સુધી લેહ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં 10 કિલોમીટરની ત્રિજ્યામાં લાગુ રહેશે.આ પશ્મિના માર્ચ લદ્દાખના તે ગોચરોમાં ચીની ઘૂસણખોરીને ઉજાગર કરવા અને પર્યાવરણીય રીતે નાજુક પ્રદેશની જમીની વાસ્તવિકતાઓને સામે લાવવા માટે કાઢવામાં આવશે. વાંગચુકે દાવો કર્યો છે કે ચીને લગભગ 4000 ચોરસ કિલોમીટર જમીન પર કબજો કરી લીધો છે. પશ્મિની ભરવાડો કૂચમાં જોડાશે જેઓ જણાવશે કે ગોચર પહેલા ક્યાં હતું અને આજે ક્યાં છે.
વાંગચુકે એક વીડિયો પોસ્ટ કર્યો હતો તેમણે એવો પણ દાવો કર્યો કે લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશ હોવાથી પ્રશાસનને દિલ્હીથી સૂચનાઓ મળી રહી છે. તેમણે કહ્યું- કદાચ પ્રશાસનને કોઈપણ કિંમતે શાંતિ જાળવવા માટે કહેવામાં આવ્યું છે. 31 દિવસથી ઉપવાસ ચાલુ છે અને કોઈ ઘટના બની નથી. તેમ છતાં લોકોને પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવે છે અને જો શાંતિનો ભંગ થતો હોય તો પગલાં લેવાની ચેતવણી આપવામાં આવે છે, મને ડર છે કે આ ખરેખર શાંતિનો ભંગ કરી શકે છે.
લેહ જિલ્લા મેજિસ્ટ્રેટ સંતોષ સુખદેવે શુક્રવારે CrPCની કલમ 144 હેઠળ પ્રતિબંધિત આદેશો લાદ્યા હતા. તેમનું કહેવું છે કે જિલ્લામાં શાંતિ ડહોળવાની શક્યતા છે. અન્ય સૂચના અનુસાર, કોઈપણ સરઘસ, રેલી અથવા કૂચ, જાહેર મેળાવડા અને પરવાનગી વિના વાહન-માઉન્ટ લાઉડસ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.