ગીરમાં સિંહની પજવણીનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા ફરી એકવાર સિંહની સુરક્ષાને લઈ સવાલ ઉઠ્યો છે. સોશિયલ મીડીયામાં જે વીડિયો વાઈરલ થયો છે તે સાસણ ગીર નેશનલ સફારી પાર્કનો છે. જેમાં પ્રવાસીઓ સિંહ દર્શન કરી રહ્યા હતા ત્યારે જ બે યુવકો પૂરપાટઝડપે બાઈક લઈને પસાર થતા સિંહમાં નાસભાગ મચી હતી. સિંહ હોવા છતા બાઈકચાલક ઘૂસી જતા સિંહની સુરક્ષાને લઈ સવાલ ઉઠ્યા છે.
વીડિયો વાઈરલ થતા હવે વનવિભાગ દ્વારા પણ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. સિંહની પજવણીનો જે વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે તે સાસણ ગીર નેશનલ સફારી પાર્કનો હોવાનું સામે આવ્યું છે. પ્રવાસીઓ જીપ્સીમાં સવાર થઈ સિંહ દર્શન કરી રહ્યા હતા ત્યારે સફારીના રસ્તા પર બે અલગ અલગ ગ્રુપમાં સિંહ ફરતા જોવા મળી રહ્યા છે. આ સમયે જ પૂરપાટ ઝડપે બાઈક આવી ચડતા સિંહમાં નાસભાગ મચતી જોવા મળી રહી છે. આ સમગ્ર ઘટના સફારીમાં સવાર પ્રવાસીઓના કેમેરામાં કેદ થઈ હતી. જે વીડિયો હવે સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. આ મામલે હાલ સાસણ વન વિભાગને તપાસના આદેશ આપવામાં આવ્યા છે.જેની હાલ તપાસ હાથ ધરવામાં આવી છે.