ક્યુએસ યુનિવર્સિટી 2024 રેન્કિંગમાં 69 ભારતીય સંસ્થાઓએ સ્થાન મેળવવામાં સફળતા હાંસલ કરી છે. જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ) વિકાસ અભ્યાસની શ્રેણીમાં વિશ્વ સ્તર પર 20મા સ્થાને છે. દેશમાં તે પ્રથમ સ્થાને છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (આઇઆઇએમ) અમદાવાદ બિઝનેસ અને એડમિનિસ્ટ્રેશનના અભ્યાસમાં વિશ્વની ટોચની 25 સંસ્થાઓમાં સામેલ થઈ છે. જ્યારે આઇઆઇએમ બેંગલુરુ અને આઇઆઇએમ કોલકાતા ટોપ 50 સંસ્થાઓમાં સામેલ થઈ છે.
આ રેન્કિંગમાં રેકોર્ડ 1559 સંસ્થાઓ સામેલ છે. જેમાં પ્રથમ વખત 64 યુનિવર્સિટીઓને સામેલ કરવામાં આવી છે. ભારતીય ટેક્નોલોજી સંસ્થા (આઇઆઇટી ) ગુવાહાટીએ ડેટા સાયન્સમાં જોરદાર દેખાવ કરીને 51-100માં સ્થાને રહી છે. ક્યુએસના સીઇઓ જેસિકા ટર્નરના કહેવા મુજબ ભારત દુનિયામાં સૌથી ઝડપથી વિસ્તરણ કરનાર શોધ કેન્દ્રો પૈકી એક છે. 2017થી 2022 વચ્ચેની શોધમાં 54 ટકા સુધી વધારો થયો છે. જે વૈશ્વિક સરેરાશના બેગણા કરતા વધારે છે.
વિષય મુજબ ભારતનું રેન્કિંગ અને ઓવરઓલ દેખાવમાં ક્રમશ: 19 ટકા અને 17 ટકાનો વધારો થયો છે. 424 યુનિવર્સિટીમાં 69 દ્વારા રેન્કિંગમાં સ્થાન મેળવી લેવામાં સફળતા હાંસલ કરી છે. ગયા વર્ષે 355 પૈકી 66 સંસ્થા સ્થાન મેળવી લેવામાં સફળ થઈ હતી. બીજી બાજુ રેન્કિંગ યુનિવર્સિટીની સંખ્યાના મામલે ભારત એશિયામાં બીજા સૌથી વધારે પ્રતિનિધિત્વ કરનાર દેશ તરીકે છે. ચીન 101 યુનિવર્સિટીની સાથે પ્રથમ સ્થાન પર છે.






