ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ગયા વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. ઑક્ટોબરની શરૂઆતમાં હમાસ દ્વારા કરવામાં આવેલા અચાનક હુમલામાં ઘણા ઇઝરાયલી લોકોએ જીવ ગુમાવ્યા હતા, ત્યારબાદ ઇઝરાયેલે બદલો લેવાનું શરૂ કર્યું હતું. હમાસના ટોચના નેતા ઈસ્માઈલ હાનિયાના ત્રણ પુત્રો ઈઝરાયેલના હવાઈ હુમલામાં માર્યા ગયા છે. આ ઉપરાંત તેના બે પૌત્રોની પણ હત્યા કરવામાં આવી છે. તેમના ત્રણ પુત્રો કારમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે આ હુમલો થયો હતો.
હાનિયાએ બુધવારે અલ-જઝીરા સેટેલાઇટ ચેનલ સાથેની મુલાકાતમાં મૃત્યુની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે તેના પુત્રો જેરુસલેમ અને અલ-અક્સા મસ્જિદની મુક્તિમાં માર્યા ગયા હતા. હાનિયાએ ફોન ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે “દુશ્મન બદલો લેવાની અને હત્યાકાંડની ભાવના સાથે આગળ વધી રહ્યો છે, અને તે કોઈપણ ધોરણો કે કાયદાને કોઈ મહત્વ આપતો નથી”.
હમાસે જણાવ્યું હતું કે હાનિયાના ત્રણ પુત્રો – હાઝેમ, અમીર અને મોહમ્મદ – કાર પર બોમ્બ હુમલામાં માર્યા ગયા હતા જેમાં તેના પુત્રો ગાઝાના અલ-શાતી કેમ્પમાં મુસાફરી કરી રહ્યા હતા. હમાસ મીડિયાએ જણાવ્યું હતું કે હુમલામાં હાનિયાના બે પૌત્રો પણ માર્યા ગયા હતા અને ત્રીજો ઘાયલ થયો હતો. હાનિયાના મોટા પુત્રએ ફેસબુક પોસ્ટમાં પુષ્ટિ કરી કે તેના ત્રણ ભાઈઓ માર્યા ગયા છે. 2017 માં જૂથના ટોચના પદ પર નિયુક્ત, હાનિયા ગાઝા પર ઇઝરાયેલ દ્વારા લાદવામાં આવેલા મુસાફરી પ્રતિબંધોથી બચવા માટે તુર્કી અને કતારની રાજધાની દોહા ગયા.
હાનિયાએ વધુમાં કહ્યું હતું કે આ હત્યાઓ હમાસ પર તેના વલણને નરમ કરવા દબાણ કરી શકે નહીં. તેમણે કહ્યું, “દુશ્મન વિચારે છે કે નેતાઓના પરિવારોને નિશાન બનાવીને તે આપણા લોકોને તેમની માંગણીઓ છોડી દેવા માટે મજબૂર કરશે. “કોઈપણ જે વિચારે છે કે મારા પુત્રોને નિશાન બનાવવાથી હમાસને તેનું વલણ બદલવા માટે દબાણ કરવામાં આવશે તે ભ્રામક છે.”